For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાંતલપુરના નજીક જર્જરિત રોડને લીધે ટોલટેક્સની ના પાડતા પરિવાર પર હુમલો કરાયો

05:48 PM Sep 11, 2025 IST | Vinayak Barot
સાંતલપુરના નજીક જર્જરિત રોડને લીધે ટોલટેક્સની ના પાડતા પરિવાર પર હુમલો કરાયો
Advertisement
  • થરાદના પરિવાર પર ટોલ કર્મચારીઓ ધોકા-લાકડી લઈને તૂટી પડ્યા,
  • પિતા-પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયા,
  • પોલીસે ટોલનાકાના 6 કર્મચારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સાતલપુરઃ ભારતમાલા હાઈવે પર વરસાદને લીધે ઠેર ઠેર ખાડા પડ્યા છે. ત્યારે જર્જરિત હાઈવે હોવા છતાંયે વાહનચાલકોને સતલાસણા નજીક ટોલબુથ પર ટોલ ચુકવવો પડે છે. ઘણા વાહનચાલકો માથાકૂટમાં પડ્યા વિના ટોલ ચુકવી દેતા હોય છે. ત્યારે કારમાં થરાદથી અંજાર જઈ રહેલા કારચાલકે હાઈવેની સ્થિતિ ભંગાર હોવાથી ટોલ દેવાનો ઈનકાર કરતા ટોલનાકાના કર્મચારીઓએ લાકડી અને ધોકા લઈને કારમાં બેઠેલા પરિવાર પર તૂટી પડ્યા હતા. કારમાં પ્રવાસ કરી રહેલા પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે ફરિયાદ નોંધાતા સાંતલપુર પોલીસે ટોલનાકાના કર્મચારીઓ સામે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

સાંતલપુર નજીક ભારતમાલા રોડ પરના ટોલ બૂથ પર ટોલ કર્મચારીઓએ થરાદના એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો છે. પરિવારે રસ્તા ખરાબ હોવા છતાં ટોલ વસુલવાનો વાંધો ઉઠાવતા ટોલ કર્મચારીઓ ધોકા-લાકડીઓ લઇને પરિવાર તૂટી પડ્યા હતા. જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે.

સાંતલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ થરાદના દિલીપ સાધુ તેમના પરિવાર સાથે અંજાર જઈ રહ્યા હતા. જ્યાં બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર બેરિયર બંધ હતો. રસ્તાની ખરાબ સ્થિતિ છતાં ટોલ વસૂલવામાં આવતો હોવાથી પરિવારે વાંધો ઉઠાવ્યો હતો. ટોલ કર્મચારીઓએ 'સિસ્ટમ બગડી ગઈ છે' કહી દાદાગીરી કરી હતી. આ દરમિયાન દિલીપભાઈના ભાઈ સાગરે વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું તો 8-10 કર્મચારીઓએ અપશબ્દો બોલીને મારામારી શરૂ કરી હતી. ટોલ કર્મચારીઓએ મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. આ હુમલામાં દિલીપભાઈના પિતા દામોદરદાસને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને માથામાં 10 ટાંકા આવ્યા છે. દિલીપભાઈના ભાઇ સાગરને પણ ખભા પર લાકડીથી મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને પ્રથમ સાંતલપુર સરકારી દવાખાને અને ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Advertisement

આ અંગે ભોગ બનનાર દિલીપભાઈએ સાંતલપુર પોલીસ મથકે હરેશ આહીર, લાલા આહીર, કમા આહીર અને વજા આહીર સહિત પાંચ-છ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement