જામનગરમાં રેલવે સ્ટેશન પર રોફ જમાવતો નકલી પોલીસ ઝડપાયો
- રિક્ષાચાલકોને પોલીસ હોવાનુ કહીને મફત મુસાફરી કરતો હતો,
- રેલવે પોલીસમાં કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપતો હતો,
- અસલી પોલીસે યુવાનને રોકીને પૂછતાછ કરતા ગલ્લા-તલ્લાં કરવા લાગ્યો
જામનગરઃ શહેરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે નકલી પોલીસને રોફ મારતા પોલીસે ઝડપી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વતની એવો શખસ પોતાને રેલવેના પોલીસ કર્મચારીની ઓળખ આપીને રિક્ષા ચાલકો પાસે રોફ જમાવતાં અને મફત મુસાફરી કરાવવાની માંગણી કરવા જતાં પકડી લેવામાં આવ્યો હતો. જેની સામે રેલવે પોલીસે ગુનો નોંધ્યો છે.
જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પાસેથી એક નકલી પોલીસ કર્મચારીને અસલી રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાટીસા ગામનો રહેવાસી બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઈ ચાસીયા (ઉં.વ 31) પોતાને રેલવેના SMC શાખાના કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપી રિક્ષાચાલકો પાસેથી મફત મુસાફરી કરતો હતો. દરમિયાન રેલવે પોલીસ સ્ટાફના હરદેવસિંહ જાડેજા અને લાબુભાઈ ગઢવી ગાંધીનગર રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષાચાલક દ્વારા તેમને બાતમી મળી હતી કે, એક વ્યક્તિ પોતાને SMC કોન્સ્ટેબલ કહી રિક્ષાચાલકો પર રોફ જમાવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિને રોકી તેની ઓળખ પૂછી હતી. તેણે પોતાનું ઓળખપત્ર ઘરે રહી ગયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એએસઆઈ શક્તિસિંહ વાઢેર દ્વારા વધુ તપાસ કરતા તેની સાચી ઓળખ બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઈ ચાસીયા તરીકે થઈ હતી.
તપાસમાં જાણવા મળ્યું કે તે ખરેખર SMC વિભાગમાં ફરજ બજાવતો ન હતો. આથી રેલવે પોલીસે બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઈ ચાસીયાની અટકાયત કરી હતી. તેની સામે રેલવે પોલીસ મથકમાં બી.એન.એસ.ની કલમ 204 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે