રાજકોટમાં પોલીસના સ્વાંગમાં ધમકી આપીને તોડબાજી કરનારો નકલી પોલીસ જવાન પકડાયો
- મોરબીના યુવાનને પોલીસની ખોટી ઓળખ આપી 2 શખસો ટુ-વ્હીલરમાં ઉઠાવી ગયા હતા,
- યુવાનને ઢોરમાર મારી 12 હજાર પડાવી લીધા હતા,
- આરોપી અગાઉ પણ નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરતા ઝડપાયો હતો
રાજકોટઃ શહેરમાં પોલીસના સ્વાંગમાં તાડબાજી કરતાં શખસને અસલી પોલીસે દબોચી લીધો છે. અગાઉ પોલીસના સ્વાંગમાં તોડ કરી ચૂકેલા અને પાસા હેઠળ સજા કાપી ચૂકેલા શખસે ફરી એક વખત પોલીસની ખોટી ઓળખ આપી તોડ કર્યો હોવાની ઘટના બની હતી. શહેરના પોપટપરા શેરી નંબર 11માં રહેતા મિહીર ભાનુભાઈ કુગશિયા (ઉ.વ.20)એ પોતાના સાગરિત સંદીપ સાથે મળી પોલીસના સ્વાંગમાં મોરબીના યુવાન પાસેથી રૂ.12 હજારનો તોડ કર્યો હતો. જે અંગે શહેરના એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી મિહિર અગાઉ પણ પોલીસના સ્વાંગમાં રાજકોટ અને ગોંડલમાં પૈસા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ બનાવની વિગત એવી હતી કે, મોરબીની ભક્તિનગર સોસાયટી-3માં રહેતા દક્ષિતભાઈ દિનેશભાઈ ઘીયા (ઉ.વ.35) મોરબીની એક કંપનીમાં નોકરી કરે છે. ગત તા.8ના રોજ રાજકોટના લીમડા ચોકમાં આવેલી હોટલમાં કંપનીની મીટીંગ માટે આવ્યા હતાં. મીટીંગ પૂરી કરી સાંજે મોરબી જવા માટે બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા જ્યાંથી આરએમસી ચોકમાં આવેલી લારીએ જમવા ગયા હતા આ સમયે રાતના 8.15 વાગ્યા આસપાસ તેઓ જમી રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરના એક્સેસ ઉપર બે શખસોએ આવીને કહ્યું કે, અમે પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી આવીએ છીએ, તું અમારી સાથે બેસી જા જેથી તેણે કહ્યું કે, ક્યા કારણસર આવવાનું પૂછતાં સામે એક શખસે કહ્યું કે, પોલીસ સ્ટેશન ચાલ પછી તને બધું કહીએ છીએ. પોલીસની ઓળખ આપીને બંને શખસોએ યુવાનને બળજબરીથી ટુ-વ્હીલર પર બેસાડી તેના શર્ટના ઉપરના ખિસ્સામાંથી બંને મોબાઈલ ફોન અને પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢી લઇ પેલેસ રોડ પર આશાપુરા મંદિર નજીકની શેરીમાં લઇ ગયા હતા. જ્યાં તેના મોબાઈલનો પાસવર્ડ માંગ્યો હતો. જે આપવાની ના પાડતા તમાચો ઝીંકી દીધો હતો. જેથી ગભરાઈને યુવાને પાસવર્ડ આપી દીધો હતો. તે સાથે જ બંને શખસોએ તેની બેન્કની એપ્લિકેશનમાં બેલેન્સ ચેક કરી રૂ.50000 ની માગણી કરી હતી. આટલી બધી રકમ નહીં હોવાનું કહેતા રૂ.10000 મંગાવવાનું કહ્યું હતું. જેથી મિત્ર તેજસ જોશી પાસેથી ઓનલાઇન રૂ.10000 મંગાવ્યા હતા. ત્યારબાદ બંને શખ્સો તેને એક એટીએમ પર લઈ ગયા હતા. જ્યાં તેની પાસેથી રૂ.12000 ઉપડાવ્યા હતાં. આ પછી તેને ટુ-વ્હીલર પર બેસાડી રસ્તામાં તેનું પાકીટ અને બંને મોબાઈલ ફોન આપી બસ સ્ટેન્ડ પાછળની શેરીમાં ઉતારી હવે ક્યારેય અહીં દેખાતો નહીં, આ બાબતે કોઈને વાત કરીશ તો મારી-મારીને તોડી નાખશું તેમ કહી જતા રહ્યા હતા.જે અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસના અંતે પોલીસે મિહીરની ધરપકડ કરી હતી. જ્યારે તેના સાગરિત સંદીપની શોધખોળ શરૂ કરી છે.