હાલોલમાં કાર પર લાલ-ભૂરી લાઈટ લગાવીને ફરતો નકલી અધિકારી પકડાયો
- નકલી અધિકારીએ કાર પર 'ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા' લખાવ્યું હતુ
- કાર પર નંબર પ્લેટ પણ લગાવી નહતી, એટલે પોલીસને શંકા ગઈ
- સમાજમાં રોલો પાડવા માટે આરોપીએ ફેક અધિકારીનો સ્વાંગ રચ્યો હતો
હાલોલઃ પોલીસે નકલી અધિકારીને કાર સાથે પકડી પાડ્યો છે. નકલી અધિકારીના સ્વાંગમાં યુવાને પોતાની કાર પર લાલ-ભૂરી ફ્લેશિંગ લાઈટ લગાવી હતી. તેમજ કાર પર ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખાવ્યું હતું. વાહન પર નંબર પ્લેટ પણ લગાવવામાં આવી નહતી. આરોપી હાલોલનો રહિશ છે, પોલીસે યુવાનની વધુ પૂછતાછ હાથ ધરી છે.
હાલોલ રૂરલ પોલીસે એક યુવકને બનાવટી સરકારી અધિકારી તરીકે ફરતા કાર સાથે પકડી પાડ્યા હતો. આરોપી ધ્રુવકુમાર કાળુભાઇ વાળંદ ( ઉ,વ.24) હાલોલના કંજરી રોડ સ્થિત હરિદર્શન સોસાયટીમાં રહે છે. તે મૂળ શહેરા તાલુકાના નાંદરવા ગામનો વતની છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી. આરોપીએ પોતાની 10 લાખની કિયા કંપનીની કાળા રંગની કાર પર લાલ-ભૂરી લાઈટ લગાવી હતી. કાર પર 'ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા' લખાવ્યું હતું. કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી. જોકે, ડિક્કીમાંથી GJ-17-CK-3514 નંબરની રજિસ્ટ્રેશન પ્લેટ મળી આવી હતી.
પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ કરતા આરોપીએ કબૂલ્યું કે તે કોઈ સરકારી હોદ્દા પર નથી. તેણે માત્ર સમાજમાં રાજ્યસેવક તરીકેની છાપ ઊભી કરવા માટે આ કૃત્ય કર્યું હતું.પોલીસે આરોપીની કાર જપ્ત કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ કલમ-204 અને એમ.વી. એક્ટ 177 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના IGP આર.વી. અસારી અને SP હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. આ કામગીરીમાં PI આર.એ. જાડેજા, PSI જે.ડી. તરાલ સહિતની પોલીસ ટીમ સામેલ હતી.