સુરતમાં મકાનો તોડવાની ફેક નોટિસ, SMCએ કહ્યું અમે જાણતા પણ નથી,
- તાપીનગર વિભાગ-2માં રાતે લોકોના ઘરની બહાર કોઈ નોટિસો લગાવી ગયું
- નોટિસો મ્યુનિના સહી-સિક્કા સાથેની હતી
- નકલી નોટિસો અંગે પોલીસે તપાસ હાથ ધરી
સુરતઃ રાજ્યમાં નકલી અધિકારીઓ, નકલી પોલીસ, નકલી કચેરીઓ પકડાઈ છે. ત્યારે સુરત શહેરના તાપીનગર વિભાગ-2માં મકાનો તોડવા માટેની મ્યુનિની નકલી નોટિસો કોઈ લગાવતા આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ-2 સોસાયટીમાં લોકોનાં ઘર પર ડિમોલિશનની નોટિસ લાગી જતાં લોકો ફફડી ઊઠ્યા હતા. આ બાબતે જ્યારે લોકો મ્યુનિ.કોર્પોરેશનની કચેરી પહોંચ્યા તો ખબર પડી કે તેઓ દ્વારા આવી કોઈ નોટિસ લગાડવામાં આવી નથી. ત્યાર બાદ અહીંના સ્થાનિક લોકોએ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે હાલ આ નોટિસ લગાડવા પાછળ કોઈ ગુનાહિત કાવતરું છે કે ટીખળ કરવા લગાડી છે એની તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના ઉત્રાણના તાપીનગર વિભાગ-2 સોસાયટીમાં કોઈ અજાણ્યા શખસોએ સોસાયટીની અનેક ઘરોની દીવાલો પર નકલી ડિમોલિશનની નોટિસ લગાડી હતી. આ નોટિસમાં લખાયું હતું કે તાપી કિનારે ડિમોલિશન માટે પાળા અને વોકવે ગાર્ડનના પાસ થવાથી 3 મહિનાનો સમય આપવામાં આવે છે અને દરેક ગલીમાંથી પાંચ-પાંચ ઘરો હટાવવામાં આવશે. આ સાથે રહીશોને સહકાર આપવા અનુરોધ પણ કરવામાં આવ્યો આવ્યો હતો. નોટિસ પર મ્યુનિના સહી-સિક્કા પણ લગાવવામાં આવ્યા હતા. આ વિસ્તારના રહિશોએ સવારે ઊઠીને ઘરની બહાર આવીને આ નોટિસ વાંચી ત્યારે ચિંતાનું મોજું સોસાયટીમાં ફેલાઈ ગયું. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મકાન તૂટવાનો ભય સમસ્યા બની જાય છે અને આવી નકલી નોટિસથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સમગ્ર સોસાયટીમાં ભારે ઊહાપોહ મચી ગયો હતો અને લોકો આ નોટિસની સત્યતા જાણવા માટે એકબીજાને પૂછપરછ કરતા જોવા મળ્યા હતા.
આ બાબતના કાગળો સોશિયલ મીડિયામાં ફરતા થયા અને લોકોની બૂમાબૂમ વધી તેમજ સૂરત મ્યુનિ.કોર્પોરેશન સુધી મામલો પહોંચ્યો. તંત્રએ તરત આ નોટિસને નકલી જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે મ્યુનિ. તરફથી આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે સોસાયટીમાં કેટલાંક ઘરો પર પાલિકાના નામે બોગસ નોટિસ લગાડવામાં આવી છે અને આ કેસમાં ગુનાહિત કાવતરાની શક્યતા નકારી શકાય નહીં.
આ મામલે રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. પાલિકા તંત્રએ પણ ઝોનના ડી.સી.પી.ને જાણ કરી અને પોલીસ મથકમાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. હાલ પાલિકા અને પોલીસ મળીને સોસાયટીનું ચોક્કસ લોકેશન શોધીને આગળની તપાસ શરૂ કરી રહી છે. અધિકારીઓએ માન્યું છે કે કોઈક શખસે રહીશોને ડરાવવા કે ટીખળ કરવા માટે આ બોગસ નોટિસો લગાડી હશે.
સ્થાનિક રહિશોના કહેવા મુજબ 30 વર્ષથી અમે અહીં રહીએ છીએ. રાત્રે અહીં કોઈ આવીને અઢી વાગે સુરત મ્યુનિ.કોર્પોરેશનની નોટિસ ચોટાડીને ગયા છે. પાંચ પાંચ કરીને મકાન ખાલી કરવાનાં છે. ત્યાં ગાર્ડન ઊભું કરવાનું છે. અહીં તમામ સામાન્ય વર્ગના લોકો રહે છે, કોઈ લૂમ્સ કારખાનામાં નોકરી કરે છે તો કોઈ અન્ય જગ્યાએ શ્રમિક છે. અમે મ્યુનિને જાણ કરી તો તેમણે જણાવ્યું હતું કે અમે કોઈપણ નોટિસ અહીં ચોટાડી નથી. અમે પોલીસ ફરિયાદ કરી છે.