વડોદરામાં આગની ઘટના બાદ તપાસ કરતા કોમર્શિય કોમ્પ્લેક્સ પાસેથી નકલી ફાયર NOC મળી
- કોમ્પ્લેક્ષમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે અરજીની તપાસમાં ભાંડો ફૂટ્યો
- નકલી ફાયર એનઓસીના કૌભાંડની તપાસ હાથ ધરાઈ
- મ્યુનિ. દ્વારા પોલીસ ફરિયાદ કરાશે
વડોદરાઃ શહેરના આજવા રોડ પર અર્શ પ્લાઝા નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં તાજેતરમાં આગની ઘટના બનતા વીજ પુરવઠો કાપી નાંખવામાં આવ્યો હતો. ત્યારબાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવા આવેલી ફાઈલની ચકાસણી દરમિયાન એનઓસી નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. ફાયર એનઓસીનું નકલી સર્ટીફિકેટ ઓરિજલ જેવું છે. તેથી કોઈને પણ શંકા ન જાય. પણ સર્ટિફેકેટની બાઈકાઈથી તપાસ કરતા નકલી હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાતમાં નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં નકલી ફાયર એનઓસી કૌભાંડ પકડાયું છે. શહેરના આજવા રોડ પર મહાવીર હોલ ચાર રસ્તા નજીક અર્થ પ્લાઝા નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ બાદ પુનઃ વીજ જોડાણ માટે આવેલી અરજી સંદર્ભે વીજ કંપનીએ ફાયરબ્રિગેડમાં પરવાનગી માટે ફાઇલ મોકલી હતી. જે ફાઇલમાં ડોક્યુમેન્ટ તપાસતા ફાયર એનઓસી શંકાસ્પદ જણાઈ હતી. જેની તપાસ કરતા ઇન્ચાર્જ ફાયર ઓફિસરના નામ પર અગાઉના ઇન્ચાર્જ ફાયર ઓફિસરની સહી જણાતા ફાયરબ્રિગેડના સ્ટાફે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે રેકોર્ડની તપાસ કરાવતા આ નામની કોઈપણ ફાયર એનઓસી ઇશ્યુ ન કરી હોવાનું ધ્યાન આવ્યું હતું. જેથી ચીફ ફાયર ઓફિસરે અર્શ પ્લાઝાના માલિકને ફાયર એનઓસી સંદર્ભે બે દિવસમાં ખુલાસો કરવા નોટિસ ફટકારી છે. બીજી તરફ અર્થ પ્લાઝાના માલિકનો ખુલાસો આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા ફાયર બ્રિગેડના નામે આજવા રોડની ત્રણ માળની એક બિલ્ડીંગ માટે લેવાયેલું ફાયર એનઓસી ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવતા અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા અને સમગ્ર કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી છે. 15 દિવસ પહેલા આજવા રોડ પર અશૅ કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટ થતા ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધા બાદ વીજ કંપનીની પણ મદદ લીધી હતી અને સુરક્ષાના કારણોસર વીજ કનેક્શન કપાવી નાખ્યું હતું.
સમગ્ર બનાવ અંગે ચીફ ફાયર ઓફિસર વિજય પાટિલે કહ્યું હતું કે, આ એક ખૂબ જ ગંભીર બાબત છે. જેનાથી ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની ઈમેજને નુકસાન થાય તેમ છે. અમે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. જરૂર પડે આ કેસમાં પોલીસની પણ મદદ લેવામાં આવશે.