અભિવ્યક્તિ - ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિના સમાપન સાથે ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા સાતમી આવૃત્તિની જાહેરાત
અમદાવાદ : ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અને ગુજરાતના સૌથી લાંબા સમય સુધી ચાલનાર કલા અને સંસ્કૃતિનો મહોત્સવ “અભિવ્યક્તિ - ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ”ની છઠ્ઠી આવૃત્તિનું સમાપન ૮ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ વિવિધ ક્ષેત્રના કલારસિકોની ઉપસ્થિતિમાં થયો, આ કલા રસિકોએ કલાના વિવિધ સ્વરૂપોનો આનંદ માણ્યો.
૧૬ દિવસીય આ કલા મહોત્સવનો પ્રારંભ ૨૧મી નવેમ્બરના રોજ થયો હતો. જેનું સમાપન ૮ ડિસેમ્બર ને રવિવારના રોજ થયુ. આ ૧૬ દિવસીય કલા મહોત્સવમાં વિવિધ વય અને ક્ષેત્રોના ૩,૨૪,૩૨૫ થી વધુ કલા રસિકોએ ઉત્સાહ વર્ધક ઉપસ્થિતી રહી હતી. શહેરના લાખો કલા રસિકો ઉપરાંત અમદાવાદના સાબરમતી સ્થિત અનુસંધાન એનજીઓ દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા ૨૦ થી વધુ બાળકોને આ કલા મહોત્સવની મુલાકાત માટે લાવવામાં આવ્યા હતા. આ બાળકોએ વિવિધ કલા સ્થાપનોને નિહાળીને આનંદની લાગણી અનુભવી હતી. અમદાવાદ શહેરના આંબલી અને અડાલજ વિસ્તારમાં આવેલ બે અલગ અલગ વૃદ્ધાશ્રમના વરિષ્ઠ નાગરિકોએ પણ વિવિધ કલાકારોની પ્રસ્તૃતિઓનો આનંદ માણ્યો હતો. આ મુલાકાત ખાસ કરીને યુ.એન.એમ ફાઉન્ડેશને વધુ એક પહેલ "ઉજાસ" અંતર્ગત આયોજિત કરવામાં આવી હતી. આ પહેલા ગત વર્ષે પાંચમી આવૃતિને પણ ૧.૭૫ લાખ મુલાકાતીઓની રેકોર્ડ સંખ્યા સાથે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
7મી આવૃત્તિની જાહેરાત સાથે નવી સફરનો પાયો નંખાયો, જે 21 નવેમ્બર, 2025 થી શરૂ થશે અને 7 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે. આ સાથે, છુપાયેલી પ્રતિભા અને વિવિધ શૈલીઓમાં નવા વિચારોની રાષ્ટ્રવ્યાપી શોધ પણ શરુ થઇ. વર્ષ ૨૦૧૮ માં પોતાની પ્રથમ આવૃત્તિથી લઈને અત્યાર સુધી આ અનોખા કલા મહોત્સ્વનને ૫૯૩૬ કલાકારોની અરજીઓ મળી છે અને અત્યાર સુધીની ૬ આવૃત્તિઓમાં કુલ ૧૩૩૫ થી વધુ કલાકારોએ મંચ ઉપર પોતાની પ્રસ્તૃતિ દ્વારા કુલ ૬ લાખથી વધુ કલા રસિક દર્શકોનું મનોરંજન કર્યુ છે.
કલા પ્રદર્શનની સફળતા અને છઠ્ઠી આવૃત્તિને મળેલ અભૂતપૂર્વ સમર્થન અંગે ગર્વ વ્યક્ત કરતા યુ.એન.એમ. ફાઉન્ડેશનના ડાયરેક્ટર સુશ્રી સપના મહેતાએ જણાવ્યું હતું કે, “લોકોના આવા અભૂતપૂર્વ પ્રતિસાદ અને ભારતના કલાકારોની અદ્ભુત પ્રતિભા જોઈને અમે આનંદિત છીએ. આ કલા મહોત્સવ વાસ્તવમાં આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરનો ઉત્સવ બની ગયો છે અને કલાકારો માટે પોતાના નવા વિચારો અને રચનાત્મક્તા અભિવ્યક્ત કરવાનો ઉત્તમ મંચ બની ચુક્યો છે. અમે આ પરંપરાને આગળ ધપાવવા અને આવનારા વર્ષોમાં તેને વધુ વ્યાપક અને ઉત્તમ બનાવવા તત્પર છીએ.”
છઠ્ઠી આવૃત્તિ અગાઉની તમામ આવૃત્તિઓની સરખામણીમાં તમામ બાબતોમાં ચડીયાતી સાબિત થઈ છે. આ આવૃત્તિમાં નૃત્ય, સંગીત, રંગમંચ, દ્રશ્ય કલા સ્થાપન સહિત વિવિધ કલા સ્વરૂપોમાં ૯૬ કલાકારો (૪૭ દ્રશ્ય કલાકારો સહિત) દ્વારા કુલ ૧૪૦ પ્રદર્શન પ્રસ્તૃત કરવામાં આવ્યા હતા. મૌલિકતા અને કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવાની પરંપરાને યથાવત રાખીને, અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ તમામ કલાકારો માટે પોતના વિચાર, સર્જન, પ્રદર્શનને નવી ઓળખ આપવાનો સૌથી લોકપ્રિય મંચ તરીકે ઉભરી આવી છે. ઉત્તરમાં પંજાબ અને દિલ્હી, દક્ષિણમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પુર્વમાં પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા અને મણિપુર, પશ્ચિમમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સહિત ભારતના વિવિધ ભાગોમાંથી કલાકારો અને કલાકારો દ્વારા રજુ કરવામાં આવેલ મનમોહક પ્રસ્તૃતિઓએ દર્શકોને મનોરંજન પુરૂ પાડવાની સાથે તેમને પ્રેરીત કર્યા.
છઠ્ઠી આવૃત્તિમાં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના અગાઉના સ્થળ ઉપરાંત અટીરા કેમ્પસનો પણ વધુ એક સ્થળ તરીકે ઉમેરો કરવામાં આવ્યો હતો. "સ્ટોરીઝ ફ્રોમ ધ સોલ" ની થીમ હેઠળ છઠ્ઠી આવૃત્તિમાં ચાર શૈલીઓમાં ચાર વિખ્યાત આર્ટ ક્યુરેટર્સ દ્વારા પ્રસ્તૃતિ રજુ કરવામાં આવી હતી, જેમાં સંગીતમાં સુમંત, રંગમંચમાં ચિરાગ મોદી, દ્રશ્ય કલામાં ધારા દવે અને નૃત્યમાં માનસી મોદીનો સમાવેશ થાય છે. છઠ્ઠી આવૃત્તિના માર્ગદર્શકોમાં કલા ક્ષેત્રના પ્રખ્યાત નામો રજત ધોળકિયા (સંગીત), સૌમ્યા જોશી (રંગમંચ), કૃતિ મહેશ (નૃત્ય) અને ખંજન દલાલ (દ્રશ્ય કલા) નો સમાવેશ કરાયો હતો.
કલા મહોત્સવ દરમિયાન દર્શકોને વ્યાવસાયિક કલાકારોના માર્ગદર્શન હેઠળ વિવિધ કલા સ્વરૂપો વિશે શીખવાની તક પણ મળી હતી. જેમાં ચેન્નાઈના કાર્તિક દ્વારા રંગમંચ માટે, જયપુરના સાર્થક દુબે દ્વારા નૃત્ય અને કૌમુદી સહસ્રબુધે દ્વારા દ્રશ્ય કલા માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. સપ્તાહના અંતે દ્રશ્ય કલાની ક્યુરેટોરિયલ ટીમ દ્વારા ક્યુરેટોરિયલ વૉક ના આયોજન થકી દર્શકોને દ્રશ્ય કલા સ્થાપન અને કલાત્મક અભિવ્યક્તિઓની જટિલતાઓ અંગે વિગતવાર સમજ આપી હતી.