ભરૂચના ગેલાની કૂવા વિસ્તારના વૃક્ષો પર વિદેશી પક્ષીઓ ઉતરી પડ્યાં
- શ્રીલંકાના કાંકણખાર નામના પક્ષીઓ પ્રજનન કરી ઈંડા મુકે છે,
- ઘટાદાર વૃક્ષો વિદેશી પક્ષીઓના આશ્રય સ્થાન બન્યા,
- નર્મદા નદીમાંથી પક્ષીઓને આસાનીથી ખોરાક મળી જાય છે
ભરૂચઃ શિયાળાના આગમન બાદ હવે ગુલાબી ઠંડીનો પ્રારંભ થતાં જ વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે. કચ્છના નાનરણ, નળ સરોવર, જામનગર અને પોરબંદર સહિત ઘણાબધા વિસ્તારોમાં ભરાયેલા છીછરા પાણીમાં વિદેશી પક્ષીઓનો નજારો જોવા મળતો હોય છે. ત્યારે ભરૂચમાં ગેલાની કૂવા વિસ્તારમાં ઘટાટોપ વૃક્ષો પર વિદેશી પક્ષીઓનો નજારો જોવા મળી રહ્યો છે.
ભરૂચ શહેરના ગેલાની કૂવો વિસ્તારમાં શ્રીલંકાથી કાંકણખાર નામના પક્ષીઓ ચોમાસા દરમિયાન અહીંયા આવીને વસવાટ કરે છે.તેઓ શિયાળામાં પ્રજનન કરીને ઈંડા મૂકી તેમના બચ્ચાઓને ખોરાક આપીને મોટા કરે છે. નર્મદા કિનારે શુદ્ધ આબોહવા અને આસાનીથી મળી રહેતા ખોરાકના કારણે દર વર્ષે શ્રીલંકાથી ચોમાસા પહેલા કાંકણખાર નામના પક્ષીઓ ગેલાની કુવા વિસ્તારના ઘટાદાર વૃક્ષો વિદેશી પક્ષીઓ માટે સલામત આશ્રય સ્થાન બને છે. અહીંયા ચોમાસાની શરૂઆત થતા પહેલાં જ વિદેશી પક્ષીઓ આવીને યુદ્ધ ધોરણે પોતાનું માળા બનાવી તેમાં રહે છે.આ શ્રીલંકાના વિદેશી પક્ષીઓ એક પ્રજાતિ છે, જેને લોકો કાંકણખાર,પેંટેસ્સ્ટોકના નામથી પણ ઓળખાય છે.
પક્ષીવિદોના કહેવા મુજબ કાંકણખાર પક્ષીઓ દર વર્ષે અહીં આવી લાંબા સમય સુધી વસવાટ કરે છે.આ પક્ષીઓને નુકસાન ન પહોંચે અને તેમને કોઇ ખલેલ ન પહોંચે તેની તકેદારી પણ તેઓ રાખે છે.ગેલાની કૂવા વિસ્તારમાં આવેલા ઘટાદાર વૃક્ષોમા તેઓ પોતાના આશ્રયો બનાવી પ્રજનન કરીને પોતાના ઈંડાઓ મૂકીને બચ્ચાઓને મોટા કરે છે.આ વિસ્તાર તેઓ માટે સુરક્ષિત બની ગયો હોય અને નર્મદા નદીમાં આસાનીથી મળી રહેતો ખોરાક હોવાથી તેઓ સુરક્ષિત અનુભવ કરતા હોય છે.