ગાંધીનગરમાં આઈકોનિક રોડ બનાવ્યા બાદ ડ્રેનેજ માટે કરાયુ ખોદકામ
- શહેરના ભાઈજીપુરાથી ગિફ્ટસિટી સુધી 32 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવ્યો છે
- રોડ બન્યા બાદ તંત્રને પાણી અને ગટર માટે પાઈપ લાઈન નાંખવાનું યાદ આવ્યુ,
- સંકલનના અભાવે પ્રજાના ટેક્સના નાણાનો થયો વ્યય
ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં અથવા તો નગરપાલિકા કે મહાનગરપાલિકામાં સત્તાસ્થાને બેઠેલા પ્રજાના ટેક્સની તિજોરીના રખેવાળ ગણાય છે. ઘણીવાર પ્રજાના ટેક્સના રૂપિયાની બરબાદી કરતા નિર્ણયો લેવામાં આવતા હોય છે. ગાંધનગરમાં જ આલો એક બનાવ બન્યો છે. પ્રજાના ટેક્સના નાણાથી રૂપિયા 32 કરોડના ખર્ચે બનાવાયેલો નવો નક્કોર આઈકોનીક રોડ બનાવી દીધા બાદ તંત્રને યાદ આવ્યું કે નળ-ગટરની લાઈનો નાંખવાનું તો રહી ગયું છે. તેથી પાણી અને ડ્રેનેજની લાઈન માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો તંત્રનો આ તમાશો જોઈ રહ્યા છે.
પાટનગર ગણાતા ગાંધીનગરમાં ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના 6 કિલોમીટર લાંબા આઈકોનિક રોડની કામગીરીમાં તંત્રની બેદરકારી સામે આવી છે. 32 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ રોડને હવે ગટર અને પાણીની પાઈપલાઈન નાખવા માટે ફરીથી ખોદવામાં આવી રહ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત માત્ર 60 દિવસમાં તૈયાર કરાયેલા આ રોડમાં લેન્ડસ્કેપિંગ, સાઈકલ ટ્રેક, વૉકિંગ ટ્રેક, પંચમેશ્વર જંક્શન, આઈકોનિક આઈલેન્ડ અને સિગ્નેચર ગાર્ડનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પંચમેશ્વર સર્કલ પર અને આજુબાજુના આઈલેન્ડ પર 6,000 જેટલા ફૂલછોડ વાવવામાં આવ્યા હતા.હવે આ આઈકોનિક રોડ તોડવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશને વિકાસ કાર્યો કરતા પહેલા સંબંધિત વિભાગો સાથે યોગ્ય સંકલન કરવું જોઈતું હતું. આ બેદરકારીને કારણે હવે રોડને ફરીથી રિપેર કરવો પડશે, જે પ્રજાના ટેક્સના નાણાંનો વધારાનો બોજ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ આઈકોનિક રોડની મુલાકાત લઈ ચૂક્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્મિત આ રોડ શહેરની આગવી ઓળખ બનવાનો હતો, પરંતુ અયોગ્ય આયોજનને કારણે રોડ તેડવાની નોબત આવતા નગરજનોમાં નારાજગી જોવા મળી રહી છે.