ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન 23મા દિવસે યથાવત, રેલી પહેલા જ 50ની અટકાયત
- પોલીસે માજી સૈનિકોને મહારેલી માટે પરમિશન ન આપી,
- ગાંધીનગરમાં પ્રવેશના રસ્તાઓ પર પોલીસે નાકાબંધી કરી,
- સચિવાલય જતા માર્ગો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો
ગાંધીનગરઃ આર્મીમાં સેવા આપીને નિવૃત થયેલા માજી સૈનિકો સરકારી નોકરીમાં અનામત સહિત વિવિધ માગણીના ઉકેલ માટે ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે છેલ્લા 23 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને 'ગુજરાત માજી સૈનિક સંગઠન' દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આહવાન કરાયું હતુ. જેમાં આજે રેલી પહેલાં માજી સૈનિકોને પકડીને પોલીસે અટકાયત કરી હતી. 50થી વધુ માજી સૈનિકોની અટકાયત કરાઈ હતી. પોલીસના કહેવા મુજબ માજી સૈનિકોને મહારેલીની પરમિશન અપાઈ નથી.એટલે અટકાયત કરવામાં આવી હતી.
પાટનગર ગાંધીનગરમાં સેકટર-6માં આવેલા સત્યાગૃહ છાવણીથી માજી સૈનિકોની મહારેલી યોજાય તે પહેલા આજે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શહેરના પ્રવેશ માર્ગો ઉપર ચુસ્ત નાકાબંધી કરી દેવામાં આવી હતી. તેમજ તમામ વાહનોને ચેક કરીને જ શહેરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા 50થી વધુ માજી સૈનિકોને ડિટેઇન કરાયા હતા. અલગ અલગ નાકા પોઇન્ટ પરથી માજી સૈનિકોને ડિટેઇન કરાયા હતા. પોલીસ દ્વારા માજી સૈનિકોને મહારેલી માટેની મંજૂરી આપવામાં આવી નહોતી. એના પગલે પોલીસ કાયદાકીય રીતે માજી સૈનિકોને ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
નાયબ જિલ્લા પોલીસ અધિકારી ડી. ટી. ગોહિલએ જણાવ્યું હતું કે માજી સૈનિકોને મહારેલીની પરમિશન આપવામાં આવી નથી. એના કારણે તેમને ડિટેઇન કરવાની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાના પ્રવેશદ્વાર પર પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મહારેલીના પગલે અધિકારીઓ સહિત 400 જેટલા પોલીસ જવાનોને અલગ અલગ સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. સચિવાલય માર્ગો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સચિવાલય તરફ આવતા તમામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.