પલસાણાના ટુંડીગામે ક્રિકેટના ઝગડામાં એક્સ આર્મીમેનના પૂત્રએ કર્યુ ફાયરિંગ
- ક્રિકેટના ઝગડામાં ચાર લોકો ઘવાતા હોસ્પિટલ ખસેડાયા
- ઉશ્કેરાયેલા ટોળાંએ એક્સ આર્મીમેનના ઘર પર કર્યો હુમલો
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરતઃ જિલ્લાના પલસાણાના ટુંડી ગામે સામાન્ય બાબતમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. ટુંડી ગામની દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો, જે બાબતે 15-20 લોકોએ એકસાથે EX આર્મીમેનના ઘર પર હુમલો કર્યો હતો. જેથી EX આર્મીમેનના પુત્ર વિકાસે ઘરમાંથી બાર બોરની બંદૂક લાવી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ટુંડી ગામે ગત રાતના સમયે ફાયરિંગની ઘટના બની હતી. પલસાણાના ટુંડી ગામે આવેલી દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવાની સામાન્ય બાબતે બબાલ થતા કેટલાક લોકોનું ટોળું EX આર્મીમેન અને સિક્યોરિટી ગાર્ડની એજન્સી ચલાવતા રામનરેશસિંગ તોમરના ઘરમાં ઘૂંસી ગયું હતું. બબાલ ઉગ્ર બનતા EX આર્મીમેનનો પુત્ર વિકાસ ઘરમાંથી બાર બોર બંદૂક લઈને આવી ગયો હતો અને અચાનક જ એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. એક રાઉન્ડ ફાયરિંગને લઇને ચાર જેટલા લોકોને ઈજાઓ થતા નાસભાગ મચી જવા પામી હતી. ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પલસાણા પોલીસને કરવામાં આવતા પલસાણા પોલીસ મથકના પીઆઈ વી. એલ. ગાંગિયા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પલસાણા પોલીસે બન્ને પક્ષોનાં નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે ફાયરિંગ કરનારના પિતા એક્સ આર્મીમેન રામનરેશસિંગ તોમરે જણાવ્યું કે, મારા ઘર પર 15-20 લોકોએ એકસાથે હુમલો કર્યો હતો. જે ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. આ ઘટનામાં મારા પુત્રને માર માર્યો હતો. જે હાલમાં ઈજાગ્રસ્ત છે, તેણે ફક્ત પોતાના બચાવ માટે હથિયાર બતાવ્યું હતું, જે તે લોકોએ છીનવી લીધું હતું અને તેઓએ જ ફાયરિંગ કર્યું હતું, જેથી મારા પુત્રને પણ ગોળી વાગી છે, મારું હથિયાર છીનવી લીધું છે, જે બાબતે હું હવે ફરિયાદ નોંધાવીશ, હું અત્યારે બહાર હતો ને ઘટનાની જાણ થતાં જ હું અહીં પહોંચ્યો છું, આ ઘટનામાં મારી પુત્રીને પણ ઈજાઓ પહોંચી હતી. હુમલો કરનાર લોકો નશાની હાલતમાં હતા, જેઓએ મારા ઘરને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.