કચ્છના ધોરડોમાં રણોત્સવની તૈયારીઓ પણ સફેદ રણમાં હજુ પાણી ભરાયેલા છે
- 11મીથી ખાનગી ટેન્ટસિટી શરૂ કરવાનો નિર્ણય,
- સાંસ્કૃતિક કાર્યક્રમો અને ક્રાફ્ટ બજારનો 1લી ડિસેમ્બરથી પ્રારંભ કરાશે,
- એક મહિના સુધી પાણી સુકાય એવી શક્યતા નથી
ભૂજઃ કચ્છમાં આ વર્ષે પાછોતરા વરસાદને કારણે ધોરડોના સફેદ રણ વિસ્તારમાં પાણી ભરાયેલા છે. આમ તો દર વર્ષે દિવાળી પહેલા જ રણમાં પાણી સુકાઈ જતાં સફેદ રણનો નજારો જોવા મળતો હતો, પણ આ વખતે રણમાં ભરાયેલા પાણી ઉતરવાનું કે સુકાવવાનું નામ લેતા નથી. સફેદ રણમાં દૂર દૂર સુધી પાણી ભરેલું જોવા મળી રહ્યું છે. એટલે પ્રવાસીઓ આવશે કે કેમ તે પ્રશ્ન છે ત્યારે પ્રવાસન વિભાગે પાછલા બારણે રણોત્સવ યોજવાની તૈયારીઓ આરંભી દીધી છે. 11 તારીખથી માત્ર ખાનગી તંબુનગરી શરૂ થશે. પ્રવાસન વિભાગ દ્વારા યોજાતા નિઃશુલ્ક સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ કચ્છનાં કારીગરોને પ્લેટફોર્મ મળી રહે એ માટે ઉભી કરાતી ક્રાફટ બજાર તો 1 ડિસેમ્બરથી શરૂ થશે.દરમિયાન સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા 6 તારીખે પરિપત્ર જાહેર કરી વિવિધ સરકારી વિભાગોને રણોત્સવના આયોજન બાબતે કાર્યની વહેંચણી કરી દેવામાં આવી છે.
દેશ અને વિદેશમાં કચ્છ રણોત્સવ જગ વિખ્યાત છે. કચ્છના ધોરડો ખાતે દર વર્ષે સફેદ રણમાં રણોત્સવ યોજવામાં આવે છે. “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” સૂત્રને સાર્થક કરતું અને દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતું રણોત્સવ કચ્છના સફેદ રણમાં યોજાય છે. લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છના રણોત્સવની મુલાકાતે આવતા હોય છે. પરંતુ આ વર્ષે કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે સફેદ રણમાં હજુ સુધી પાણી ભરાયેલા છે. તેથી આ વખતે દિવાળી પહેલા રણોત્સવ શરૂ થઈ શક્યો નથી દિવાળીની રજાઓમાં કચ્છ ફરવા આવેલા ઘણા પ્રવાસીઓ સફેદ રણમાં પાણી જોઈને પરત ફર્યા હતા.
કચ્છમાં રણોત્સવ ધોરડો ગામે યોજાય છે. ધોરડો ગામને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. પરંતુ આ વર્ષે સફેદ રણનો નજારો જોયા વગર જ પરત ફરવું પડશે. હજુ એક મહિના સુધી પાણી નહીં સુકાય એમ લાગતુ નથી. પ્રવાસીઓને નારાજ થઈને પરત જવું પડશે. આગામી 11 નવેમ્બરથી કચ્છના સફેદ રણોત્સવની શરૂઆત થશે. પરંતુ રણમાં પાણી હોવાને કારણે પ્રવાસીઓને થોડી મુશ્કેલી અનુભવાશે.