ઉનાળાના આગમન પહેલા જ તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો
- લઘુત્તમ તાપનમાનમાં પણ થયોવધારો
- હવે તો રાતના સમયે પણ પંખા-એસી ચાલુ કરવા પડે છે
- આ વખતનો ઉનાળો વધુ આકરો રહેવાની શક્યતા
અમાદાવદઃ શિયાળાની વિદાયને થોડા દિવસ બાકી છે, ત્યારે તાપમાનમાં એકાએક વધારો થયો છે, ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો છે. બપોરના ટાણે અસહ્ય ગરમી અનુભવાય રહી છે. જ્યારે રાતના તાપમાનમાં પણ વધારો થતા પંખા અને એસી ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ આજથી બે દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. વાદળો આવવાથી જીરા અને ઘઉંના પાકોમાં અસર થશે. ગરમીના વટઘટથી ઘઉંના પાકમાં અસર જોવા મળશે. નબળા વેસ્ટર્ન ડિસ્ટબન સાથે પવન ફુંકાશે. ઉત્તર અને પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનનું જોર વધુ રહેશે.
ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે તથા આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે, કારણ કે ગુજરાત ઉપર હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી ગરમ પવનો આવી રહ્યા છે, જેને કારણે ગુજરાતનું તાપમાન પણ વધ્યું છે. સામાન્ય રીતે આ સ્થિતિ માર્ચ મહિનાની શરૂઆતમાં સર્જાતી હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. સતત ચોથા દિવસે લઘુત્તમ તાપમાનમાં વધારો થતા રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ ગુજરાતીવાસીઓ કરી રહ્યા છે. આજે મહત્તમ તાપમાન જોઈએ તો અમદાવાદમાં 34 ડિગ્રી, વડોદરા 33.2 ડિગ્રી, રાજકોટમાં 34.5 ડિગ્રી, ભૂજ અને ડિસામાં 32.6 ડિગ્રી, વેરાવળમાં 33.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન પોરબંદરમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 34.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.