સુરતમાં દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ પણ કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ
- બંગાળ, આસામ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત રાજ્યોમાં વરસાદને લીધે ઓર્ડર ઘટ્યાં,
- અનેક ડિલરોએ નવા ઓર્ડર અટકાવી દીધા,
- લગ્નસરાની સીઝન નજીક હોવા છતાંયે કાપડ ઉદ્યોગમાં મંદીથી વેપારીઓ ચિંતિત
સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. દેશભરના કાપડના વેપારીઓ ખરીદી માટે સુરત આવતા હોય છે. શહેરના કાપડના જથ્થાબંધ વેપારીઓએ લાભપાંચમના દિને મુહૂર્ત કરીને વેપારના શ્રીગણેશ કર્યા હતા. પરંતુ વરસાદે વેપારીઓની ચિંતા વધારી છે. બંગાળ, આસામ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં સતત વરસાદ અને તોફાન સુરતના કાપડ વેપારને અસર કરી રહ્યા છે, જેના કારણે ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે. સુરતના કાપડ બજારમાંથી સાડી, ડ્રેસ મટિરિયલ, કુર્તા-પાયજામા અને લહેંગા-ચોલી સહિત મોટી સંખ્યામાં વસ્ત્રો દેશભરમાં મોકલવામાં આવતા હોય છે.
સુરત શહેરના જથ્થાબંધ કાપડના વેપારીઓ લગ્નની મોસમ દરમિયાન સારા વ્યવસાયની અપેક્ષા રાખતા હતા, પરંતુ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશામાંથી તોફાન અને ભારે વરસાદના લીધે અગાઉ આપેલા ઓર્ડરો પણ કેન્સલ થઈ રહ્યા છે. આ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં છૂટક વિક્રેતાઓ અને જથ્થાબંધ ઓર્ડર સુરતના બજારો સાથે જોડાયેલા છે. હવામાનમાં અચાનક બગાડને કારણે ઘણા ડીલરોએ નવા ઓર્ડર અટકાવી દીધા છે, અને કેટલાકે અગાઉ આપેલા ઓર્ડર માટે શિપમેન્ટમાં વિલંબની વિનંતી કરી છે.
શહેરના કાપડ એક વેપારીના કહેવા મુજબ ગયા વર્ષની જેમ, લગ્નની મોસમ બજારમાં સારી પ્રવૃત્તિ લાવશે તેવી અપેક્ષા હતી, પરંતુ હવે હવામાને મુશ્કેલીઓ ઉભી કરી છે. ઘણા રાજ્યોમાંથી પરિવહનને પણ અસર થઈ શકે છે.