બેગલેસ ડેની જાહેરાત પણ ચિત્ર, સંગીત, વ્યાયામ સહિત શિક્ષકોની 40 હજાર જગ્યાઓ ખાલી
- રાજ્યમાં 6.921 શાળાઓ પાસે મેદાનો જ નથી,
- વિધાર્થીઓ વધારાની પ્રવૃતિઓ કેવી રીતે કરી શકશે,
- કોંગ્રેસે સરકાર સામે ઉઠાવ્યા સવાલો
અમદાવાદઃ રાજ્યમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડેની જાહેરાત કરવામાં આવી છે, એટલે શનિવારે બાળકો સ્કૂલબેગ વિના જ શાળામાં આવીને રમત-ગમત,સહિત ઈતર પ્રવૃતિમાં ભાગ લેશે. આ અંગે સરકારે નોટિફિકેશન પણ જારી કરી દીધું છે. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં ચિત્ર, સંગીત અને વ્યાયામના 40 હજાર શિક્ષકોની શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી અને 6,921 સ્કૂલોમાં મેદાન પણ નથી, તો શાળાઓમાં વિધાર્થીઓ વધારાની પ્રવૃતિઓ કેવી રીતે કરી શકશે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, “ભાર વગરના ભણતરનો વિચાર સુંદર છે, પણ જે શાળાઓમાં શિક્ષકો જ નથી, મેદાન જ નથી, ત્યાં વિદ્યાર્થી કઈ રીતે ઉજવશે બેગલેસ ડે. રાજ્યમાં 40,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, પણ નવી ભરતી કરાતી નથી. રાજ્યમાં 6921 જેટલી પ્રાથમિક શાળાઓ પાસે મેદાન જ નથી, ત્યારે આવા દિવસો પર વિદ્યાર્થીઓ કઈ રીતે રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.
તેમણે સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષકોની પણ વર્ષોથી ભરતી કરવામાં આવી નથી. અને વર્ચુઅલ શિક્ષણના દાવાઓ અધૂરા છે. પ્રવેશોત્સવના નામે કરોડોની જાહેરાતો થાય છે, પણ શિક્ષકોની ભરતી માટે ક્યારેય ઉત્સવ યોજાતો નથી. બેગલેસ દિવસથી વિદ્યાર્થીઓને બેગના ભારથી એક દિવસ રાહત મળે, પણ વાલીઓએ ઉંચી ફીનો ભાર ક્યારે ઉતરશે.