જીકાસ દ્વારા ત્રણ મહિનાથી વધુ સમય થયો છતાંયે પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ નથી
- દિવાળીને મહિનો બાકી છતાં કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાનો વધુ એક રાઉન્ડ,
- ડિજિટલ પ્રક્રિયાને સમજી શકતા નથી તે પ્રવેશ વંચિત રહી જાય છે,
- જીકાસ પોર્ટલમાં ઝડપી પ્રવેશ થવાના દાવા પોકળ સાબિત થયા
અમદાવાદઃ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાને મહિનો જ બાકી છે. ત્યારે હજુ પણ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ શકી નથી. રાજ્યની 15 સરકારી યુનિ.ઓમાં જીકાસ દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી તેમાં ત્રણ માસથી વધુ સમય વિત્યો હોવા છતાંયે અને દિવાળીને હવે માત્ર એેક મહિનો જેવો સમય બાકી છે ત્યારે કોલેજોમાં પ્રવેશ માટે વધુ એક રાઉન્ડનો આરંભ કરાવાયો છે.
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ ( જીકાસ) દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં વિનિયન, વાણિજ્ય અને વિજ્ઞાન સહિતની વિદ્યાશાખાઓ માટે પ્રવેશની કાર્યવાહી શૈક્ષણિક સત્ર પહેલા હાથ ધરી હતી. તેને ત્રણ મહિના થઈ ગયા છતાંયે હજુ પ્રવેશની કાર્યવાહી પૂર્ણ થઈ નથી. આ વખતે પણ જીકાસની ગરબડ ગોટાળાને લીધે, એડમિશનમાં જીકાસનો મંથર ગતિની અને ગામડાના વિદ્યાર્થીઓ સુધી ન પહોંચેલી એડમિશનની પ્રક્રિયાને લીધે હવે વધારે મોડું થઇ ગયું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને ડિજિટલ સાક્ષરતાનો અભાવ ધરાવતા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં મુશ્કેલી છે. આના પરિણામે, ઘણા વિદ્યાર્થીઓ સમયમર્યાદા ચૂકી જાય છે અથવા ગૂંચવણમાં પડી જતા હોવાનું કહેવાય છે.
સૂત્રોના કહેવા મુજબ જીકાસ પોર્ટલ પર ઓફલાઇન પ્રવેશ અથવા કાઉન્સેલિંગનો કોઈ વિકલ્પ ન હોવાથી, ઘણા વિદ્યાર્થીઓ કે જેઓ ડિજિટલ પ્રક્રિયાને સમજી શકતા નથી તેઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. જીકાસ પોર્ટલમાં ઝડપી પ્રવેશ થવાના દાવા કરાયા હતા, પરંતુ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી લાંબી કહી શકાય તેમ સ્નાતકમાં ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયા હજુ પણ પૂર્ણ થઈ નથી. માર્ચ મહિનાથી જીકાસમાં રજિસ્ટ્રેશન શરૂ થયું અને મે મહિનાથી ઓનલાઇન ફોર્મ ભરાઈ રહ્યા છે તેમ છતાં હજુ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા પ્રવેશનો અંતિમ રાઉન્ડ જાહેર કરાયો છે.