ખ્યાતિકાંડમાં ફરાર ડો. સંજય પટોળિયાની ધરપકડ, કૂલ 7 આરોપી પકડાયા
- કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ ફરાર,
- ડો. પટોળિયા ત્રણ હોસ્પિટલ સાથે જોડાયેલા છે,
- ડો. પટોળિયાના આગોતરા જામીન નામંજુર થતાં પોલીસે કરી ધરપકડ
અમદાવાદઃ શહેરની જાણીતી ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીઓના મોત થતા હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે ઓપરેશનો કરી નાખ્યા હોવાનું પ્રકાશમાં આવતા આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે એક પછી એક એમ 7 શખસોની ધરપકડ કરી છે. જેમાં આજે ડો. સંજ્ય પટોલિયાની પણ ધરપકડ કરી છે.
ખ્યાતિકાંડ મામલે ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળીયાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ડો. સંજય પટોળીયાએ કરેલી આગોતરા જામીન અરજી મંગળવારે રદ થઈ હતી. ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ સોંપાયા બાદ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજી પણ પોલીસ પકડથી હજુ દૂર છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડો. સંજય પટોળિયા વર્ષ 1999માં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયો હતો. ત્યારબાદ તેમણે ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જન તરીકે પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. 2005માં રાજકોટમાં ન્યૂ લાઈફ હોસ્પિટલની શરૂઆત કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં 2014માં એસજી હાઈવે પર એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલની શરૂઆત કરી હતી, જેનું નામ બદલી 2019માં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કરવામાં આવ્યું હતું. ડો. સંજય પટોળિયા અમદાવાદ ઉપરાંત રાજકોટ અને સુરતમાં આવેલી હોસ્પિટલ સાથે પણ જોડાયેલા છે. આ ત્રણેય હોસ્પિટલનાં નામ અલગ અલગ છે.
શહેર ક્રાઈમ બ્રાન્ચે સાત આરોપીની ઘરપકડ કરી છે જેમાં ડો. પ્રશાંત વઝીરાણી. ચિરાગ સ/ઓ હીરાસિંહ બગીસિંહ રાજપૂત, મિલિન્દ સ/ઓ કનુભાઈ અમરતલાલ પટેલ, રાહુલ સ/ઓ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન, પ્રતીક સ/ઓ યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ, પંકિલ સ/ઓ હસમુખભાઈ મોહનભાઈ પટેલ, ડો. સંજય પટોળિયાનો સમાવેશ થાય છે. જ્યારે (1) કાર્તિક પટેલ (2) રાજશ્રી કોઠારી હજુ ફરાર છે.