અમદાવાદમાં બાલવાટિકાના રિ-ઓપનિંગ પહેલા જ એન્ટ્રી ફી રાઈડના દરમાં વધારો કરાયો
- એએમસીએ બાલવાટિકામાં વિવિધ રાઈડ, સ્નો પાર્ક, વગેરેની ફીના ભાવ નિયત કર્યા,
- બાલવાટિકાને વર્ષે રૂપિયા 40 લાખની આવક થશે
- થોડા દિવસમાં બાલવાટિકા બાળકો માટે ખૂલ્લી મુકાશે
અમદાવાદઃ એએમસી દ્વારા શહેરના કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રિડેવલપમેન્ટ કરાયું છે. અને થોડી દિવસમાં બાળવાટિકા રિ-ઓપન કરાશે. ઉનાળાના વેકેશનને લીધે બાળકો સાથે તેના વાલીઓ પણ ઉમટી પડશે. ત્યારે એએમસીની રિક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટીએ બાલવાટિકાની એન્ટ્રી ફી અને વિવિધ રાઈડ્સની ફી નક્કી કરી છે. નાના-મોટા તમામ માટે રૂ.50 એન્ટ્રી રખાઈ છે. જ્યારે 22 રાઈડ્સની અલગ અલગ એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જેમાં સ્નોપાર્કની સૌથી વધુ 450, ફ્લાઈંગ થિયેટરના 200, વેક્સ મ્યુઝિમની 130 ફી છે. આ એક્ટિવિટી રાજ્યમાં પહેલીવાર થતી હોવાનો મ્યુનિ.એ દાવો કર્યો છે. જો કે, ચાર સભ્યનો એક પરિવાર બાલવાટિકામાં જશે અને તમામ રાઈડ્સમાં બેસે તો રૂ.9 હજારથી વધુનો ખર્ચ થશે. એટલે મધ્યમ વર્ગને રાઈડનો ખર્ચ પરવડી શકે તેમ નથી.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની રિક્રિએશન, કલ્ચરલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પીપીપી ધોરણે બાલવાટિકાને રૂ.22 કરોડના ખર્ચે સુપર એમ્યુઝમેન્ટે તૈયાર કર્યું છે. અગાઉ મ્યુનિ.ને બાલવાટિકામાંથી વર્ષે રૂ.10 લાખની આવક થતી હતી, જ્યારે હવે નવા રૂપરંગને કારણે વર્ષે રૂ.40 લાખની આવકનો અંદાજ છે. કાચઘર, શૂહાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન, ગ્લો સ્ટેશન જેવી 6 એક્ટિવિટી એન્ટ્રી ફી સાથે ફ્રી રહેશે. જ્યારે સ્નોપાર્કના રૂ.450, વેક્સ મ્યુઝિયમની રૂ.130 ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ડાયનાસોર, હરણ ટ્રેન, હેપી રિંગ, એક્સ વોરિયર, રૂ.60, રોયલ રાઈડ્સ, રોબોટ, જમ્પિંગ એડવેન્ચર-ભૂલભૂલૈયા ચિલ્ડ્રન ગો કાર્ટ, લેઝી રિવર રૂ.70, વીઓ રિયાલિટી ઝોન, મિરર મેઈઝ, એડવેન્ચર રાઈડ રૂ.80, ડાયનાસોર-બટરફ્લાય પાર્ક રૂ.100, વેક્સ મ્યુઝિયમ રૂ.130, ઈલીયુઝન હાઉસ, મડ બાઈક રૂ.150, અને ફ્લાઈઝ થિયેટર રૂ.200 નક્કી કરાયા છે.