સુરતની સમૃદ્ધિથી અંજાઈને બિહારથી 4 શખસો લૂંટ કરવા માટે આવ્યા અને જવેલર્સની હત્યા કરી
- લોકોના હાથે પકડાયેલો એક લૂંટારૂ શખસ હોસ્પિટલમાં ઓક્સિજન પર,
- લૂંટારૂ શખસો બિહારથી લૂંટ માટે સુરત આવીને ભાડાના મકાનમાં રહેતા હતા,
- પોલીસને હેન્ડમેડ રિવોલ્વર મળી, પકડાયેલા આરોપી પર બિહારમાં 6 કેસ,
સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં સ્ટેશન બજાર પાસે સોમવારે રાત્રે શ્રીનાથજી જ્વેલર્સમાંથી 4 લૂંટારા 10 લાખના દાગીનાની લૂંટ કરીને દુકાન માલિક પર બે રાઉન્ડ ફાયર કરતા તેનું મોત નિપજ્યું હતું. લૂંટ અને હત્યાના આ કેસથી શહેરભરમાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનામાં બુમાબુમ થતાં દોડી આવેલા લોકોએ એક લૂંટારુંને પકડીને માર માર્યો હતો. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે, હાલ તે ઓક્સિજન પર છે. પોલીસે પૂછપરછ કરી રહી છે. પ્રાથિમક તપાસમાં બિહારથી 4 લૂંટારૂ શખસો સુરતની સમૃદ્ધિથી અંજાઈને લૂંટ કરવા આવ્યા હતા. અને ભાડે મકાન પણ રાખ્યું હતું. અને જ્વેલર્સના શો રૂમની રેકી કરવામાં આવી હતી. લૂંટારૂ શખસો પકડાઇ ન જાય તે માટે મોબાઇલ લીધા વગર આવ્યા હતા.
સુરત શહેરના સચિન વિસ્તારમાં સોમવારે રાતે બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનાએ શહેરમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. આ પ્રકરણમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી બહાર આવી છે. આ કેસમાં લોકો દ્વારા પકડાયેલો એક આરોપી દીપક કુમારનો ગંભીર ગુનાહિત ભૂતકાળ અને બિહાર કનેક્શન સામે આવતા પોલીસ પણ ચોંકી ઊઠી છે. સચિન પોલીસ દ્વારા લૂંટ અને હત્યાના ગુનામાં પકડાયેલા લૂંટારૂ શખસ દીપક કુમાર માત્ર આ જ ગુનામાં સંડોવાયેલો નથી, પરંતુ તેના પર બિહાર રાજ્યમાં લૂંટ, ચોરી અને NDPS સહિતના કુલ 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ માટે સચિન અને ક્રાઇમ બ્રાન્ચની બાર ટીમો બનાવામાં આવી છે જેમાંથી બે ટીમ બિહાર રવાના થઈ છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં એવી વિગત મળી છે કે, લૂંટારૂ શખસ દીપક કુમાર સહિત કુલ ચાર આરોપીઓ બે દિવસ પહેલા જ બિહારથી લૂંટના ઈરાદે સુરત આવ્યા હતા. તેમને સુરતના સચિન વિસ્તારમાં રહેતા એક સ્થાનિક વ્યક્તિએ 'ટિપ્પીર' એટલે કે ગુપ્ત માહિતી અને મદદ પૂરી પાડી હતી. આ મદદના આધારે, આરોપીઓ સચિન સુડા આવાસમાં 2000 રૂપિયા ડિપોઝિટ આપીને છેલ્લા બે દિવસથી રોકાયા હતા. પોલીસે આ સ્થાનિક વ્યક્તિની ભૂમિકા અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. લૂંટ દરમિયાન જ્વેલર્સ આશિષ રાજપરા પર જે રિવોલ્વરથી ગોળી ચલાવવામાં આવી હતી, તે રિવોલ્વર પણ સચિન પોલીસને મળી ગઈ છે. જ્યારે લુટારુઓ ઘટનાસ્થળેથી નાસી રહ્યા હતા, ત્યારે લોકોએ દીપક કુમારને પકડી પાડ્યો હતો અને તેને ઢોર માર માર્યો હતો. આ ભાગદોડ અને મારપીટ દરમિયાન જ તે રિવોલ્વર નજીકના કચરાના ઢગલા પર નીચે પડી ગઈ હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા આ હેન્ડમેડ રિવોલ્વર મળી આવી હતી, જે આરોપીઓ બિહારથી લઈને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ રિવોલ્વર કબજે કરી લીધી છે.
લૂંટ અને હત્યાના કેસમાં ત્રણ લૂંટારુઓ હજુ પણ ફરાર છે. પોલીસે તેમને પકડવા માટે સઘન તપાસ અને નાકાબંધી શરૂ કરી દીધી છે. સુરત સચિન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે 15 ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. આરોપીઓએ લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા સંપૂર્ણ રેકી કરી હતી. સ્થાનિકની મદદથી સુડા આવાસમાં રોકાઈને, તેમણે કદાચ જ્વેલરી શોપના કર્મચારીઓના દૈનિક ગતિવિધિઓ પર નજર રાખી હતી.