ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 10 ત્રાસવાદી ઠાર મરાયાં
આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનમાં હવે આતંકવાદી પ્રવૃતિઓ વધી છે, તેમજ અવાર-નવાર આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં બલુચિસ્તાનમાં બલોચ વિદ્રોહીઓએ ટ્રેન હાઈજેક કર્યાની ઘટના બની હતી. પાકિસ્તાની સુરક્ષા દળોએ તમામ બંધકોને મુક્ત કરાવ્યાનો દાવો કર્યો છે. દરમિયાન ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓ આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધરીને 10 આતંકીઓને ઠાર માર્યાં હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં ફ્રન્ટિયર કોર્પ્સ કેમ્પની ચેકપોસ્ટ પર આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો, તેમજ 10 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જીઓ ન્યૂઝે પોલીસ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના જંડોલામાં જોરદાર વિસ્ફોટ બાદ ભારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે એફસી કેમ્પ નજીક એક આત્મઘાતી હુમલાખોરે કારમાં પોતાને ઉડાવી દીધો હતો. બલુચિસ્તાનમાં ઝફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરનારા અને મુસાફરોને બંધક બનાવનારા તમામ 33 હુમલાખોરોને સુરક્ષા દળોએ ઠાર માર્યાના એક દિવસ બાદ આ હુમલો થયો હતો.