ઝારખંડમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણઃ બે જવાન થયા શહીદ
નવી દિલ્હીઃ ઝારખંડના પલામુ જિલ્લામાં મોડી રાતે પ્રતિબંધિત ભાકપા(માઓવાદી)ના એક અલગ ગ્રુપ ટીએસપીસીના સભ્યો સાથે સુરક્ષાદળોની અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે જવાનો શહીદ થયાં હતા. જ્યારે એક શહીદ ઘાયલ થયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મનાતુ પોલીસ સ્ટેશન વિસ્તારના કેદલ ગામ નજીક રાત્રે લગભગ સાડા 12 વાગ્યે આ અથડામણ શરૂ થઈ હતી. પલામુ રેન્જના ડીઆઈજી નૌશાદ આલમે જણાવ્યું કે અથડામણ દરમિયાન બે સુરક્ષાકર્મીઓ સંતન મહેતા અને સુનીલ રામ શહીદ થયા હતા, જ્યારે એક જવાનને ગંભીર ઇજા થઈ છે. ઘાયલ જવાનને તરત જ મેડિનિરાય મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પલામુની એસપી ઋષ્મા રમેશને જણાવ્યું કે કેદલ ગામમાં ટીએસપીસી કમાન્ડર શશિકાંત ગંઝૂ તથા તેના દળની હાજરી અંગે માહિતી મળતા જ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળ સ્થળે પહોંચતા જ માવવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતો. અથડામણમાં ત્રણ જવાનોને ગોળી વાગી હતી. હોસ્પિટલ લઈ જતાં તેમાંના બેને મૃત જાહેર કરવામાં આવ્યા, જ્યારે એકની સારવાર ચાલી રહી છે. માવવાદીઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા બાદ તપાસ અભિયાન હાથ ધરાયું છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને બે પોલીસકર્મીઓના શહાદત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે "પલામુના મનાતુ વિસ્તારના કેદલા જંગલમાં વિશેષ અભિયાન દરમિયાન બે પોલીસકર્મીઓ સંતન મહેતા અને સુનીલ રામની શહાદત અત્યંત દુખદ છે. શહીદોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરું છું. ઘાયલ જવાન જલ્દી સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ પણ પાઠવું છું."