ગઢચિરૌલીમાં પોલીસ-નક્સલીઓ વચ્ચે અથડામણ, ચાર માવવાદી ઠાર મરાયાં
મુંબઈ : પૂર્વીય મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં છત્તીસગઢની સરહદ પાસે બુધવારની સવારે પોલીસ અને નક્સલીઓ વચ્ચે ભારે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ચાર માવવાદીઓ ઠાર મારાયા હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નક્સલીઓની હાજરીની ગુપ્તચર માહિતી મળ્યા બાદ ગઢચિરૌલી પોલીસની C-60 કમાન્ડો ટીમે કોપરશી ગામ નજીક વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તલાશી દરમ્યાન નક્સલીઓએ અચાનક જ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું, જેના પછી બંને તરફથી ગોળીબારી શરૂ થઈ હતી. હાલ સુધીના અહેવાલ મુજબ અથડામણ ચાલુ જ છે અને પોલીસ દ્વારા વિસ્તરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગઢચિરૌલી જિલ્લો લાંબા સમયથી નક્સલ પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ અને સુરક્ષા દળો દ્વારા નક્સલ વિરોધી ઓપરેશનમાં તેજી લાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નક્સલીઓની હરકતોને નિયંત્રણમાં લેવા માટે બોર્ડર વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.