ગાંધીનગર સચિવાલયમાં બાયોમેટ્રિક હાજરીનો કર્મચારીઓએ કર્યો વિરોધ
- તમામ કચેરીઓમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમનો અમલ શરૂ
- તમામ કર્મચારીઓએ જૂની પદ્ધતિથી હાજરી પૂરી વિરોધ કર્યો
- નવી સિસ્ટમમાં મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે છે
ગાંધીનગરઃ રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ગઈ તા, 27મી જાન્યુઆરીએ પરિપત્ર જારી કરીને સચિવાયલ સંકુલના તમામ વિભાગો, કર્મયાગી ભવન, અને ઉદ્યોગ ભવનની કચેરીઓ, કલેકટર અને ડીડીઓની કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓને હાજરી માટે 1લી ફેબ્રુઆરીથી ડિઝિટલ એટેન્ડન્ટસ સિસ્ટમ અમલ કરવાનો નિર્ણય લેવાતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓમાં આજથી બાયોમેટ્રિક હાજરી સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ કર્મચારીઓએ આ નવી વ્યવસ્થાનો વિરોધ કરીને પરંપરાગત મસ્ટર પદ્ધતિથી જ હાજરી નોંધાવી હતી.
સામાન્ય વહીવટ વિભાગે 27 જાન્યુઆરી, 2025ના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ, સચિવાલય સંકુલના તમામ વિભાગો, કર્મયોગી ભવન, ઉદ્યોગ ભવન અને કલેક્ટર-DDO કચેરીમાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, આ નિર્ણય એકતરફી રીતે લેવામાં આવ્યો હોવાનો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આક્ષેપ કર્યો હતો.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના ભરતભાઈ ચૌધરીએ જણાવ્યા મુજબ, નવી સિસ્ટમમાં અંગત મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે છે, જે કર્મચારીઓની ગોપનીયતા માટે જોખમરૂપ છે. આધાર લિંકિંગ અને લોકેશન એક્સેસ જેવી માંગણીઓ કર્મચારીઓની પ્રાઈવસીને અસર કરે છે. કર્મચારી મંડળોએ મુખ્યમંત્રીને પણ આ મુદ્દે રજૂઆત કરી છે. જ્યારે કર્મચારીઓનું કહેવું છે કે તેઓ કચેરી સમય બાદ પણ મોડે સુધી રોકાઈને રાજ્યના વિકાસમાં યોગદાન આપે છે, પરંતુ આવા એકતરફી નિર્ણયોથી તેમનો ઉત્સાહ ઘટે છે. મહામંડળે જણાવ્યું છે કે જુદા જુદા કર્મચારી મંડળો સાથે પરામર્શ કરીને આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.