અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કર્મચારીઓ એક જ જગ્યા પર 3 વર્ષથી વધુ રહી શકશે નહીં
- એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ જ કર્યો ઠરાવ
- હવે 3 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા અધિકારીઓ-કર્મચારીઓની બદલી કરાશે
- બદલીઓ માટે હવે કોઈની યે ભલામણ ચાલશે નહીં
અમદાવાદઃ મ્યુનિ,કોર્પોરેશનમાં ઘણાબધા કર્મચારીઓ અને અધિકારીઓ વર્ષોથી એક જ સ્થળે નોકરી કરી રહ્યા છે. તેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તાજેતરમાં એએમસીમાં સહાયક ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી કૌભાંડમાં મ્યુનિના જ કર્મચારીની સંડોવણી પ્રકાશમાં આવી હતી. ત્યારે હવે મ્યુનિ.ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓની ત્રણ વર્ષે ફરજિયાત બદલી કરવાનો સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા વહીવટી કેડર તથા ટેકનીકલ કેડરમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓ બદલીપાત્ર જગ્યા(એકસ કેડર સિવાય) પર ફરજ બજાવતા હોય પરંતુ છેલ્લા કેટલાય સમયથી એક અધિકારીઓ અને કર્મચારીઓ એકની એક જ જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. રાજય સરકારમાં પણ વધુમાં વધુ 3 વર્ષે બદલીપાત્ર જગ્યા પર ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવા અંગેની નીતિ અમલમાં છે. ત્યારે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વહીવટી કે ટેકનીકલ કેડર જે જગ્યા પર બદલીપાત્ર હોય ત્યાં કોઇપણ અધિકારી કે કર્મચારી(વર્ગ 1 થી વર્ગ 3) ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા હોય તેઓની બદલી કરવા અંગેની નીતિને મંજૂરી આપવામાં આવી છે. કોઇ એક જગ્યા પર એકવાર ત્રણ વર્ષ ફરજ બજાવી હોય તે જ જગ્યા પર બીજા 6 વર્ષ સુધી મુકી શકાશે નહી.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, એએમસીમાં જુદા-જુદા વિભાગોમાં અનેક કર્મચારી અને અધિકારી વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે, તેના કારણે અનેક કામોથી લઈ કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાંઠ મજબૂત બને છે તેમજ કામકાજ ઉપર પણ અસર થતી જણાય છે. ભૂતકાળમાં પણ એક જ સ્થળે અનેક વર્ષોથી ફરજ બજાવતા અધિકારીઓની કર્મચારીઓની બદલી માટે નિર્ણય લેવાયો હતો. જોકે, કેટલાક કારણોસર માત્ર એક જ પ્લોટ બદલીનો થયો હતો, બાદમાં બદલી રોકાઈ ગઈ હતી. સામુહિક બદલી કરવા માટે અગાઉ કમિશનરે કાર્યવાહી કરી છે પરંતુ, કોઈ કારણોસર તે રોકાઈ ગઈ હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારે બદલીઓ હોય ત્યારે કેટલાક અધિકારીઓને કર્મચારીઓ યેનકેન પ્રકારે રાજ્ય નેતાઓની જ લાગવગ લગાવીને પાછા પોતાની મનપસંદ જગ્યાએ પાછા આવી જાય છે. જ્યારે બદલી થાય ત્યારે પોતાની બદલીઓ કેન્સલ પણ કરાવતા હોય છે. કેટલાય વિભાગમાં વડા અધિકારીઓ પોતાનાં વહિવટદાર જેવા કલાર્ક વગેરેને પણ બીજે ખસવા દેતાં હોતા નથી અને તેના માટે કામ ઉપર અસર થાય છે એવા બહાના આગળ ધરતાં હોય છે.