જમ્મુ-કાશ્મીરની ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત
નવી દિલ્હી: ચૂંટણી પંચે બુધવારે જાહેરાત કરી છે કે જમ્મુ-કાશ્મીરની ખાલી પડેલી ચાર રાજ્યસભાની બેઠકો માટે મતદાન 24 ઑક્ટોબરે યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, મતદાન અને મતગણતરી બંને પ્રક્રિયા એ જ દિવસે પૂર્ણ કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ ચારેય બેઠકો ફેબ્રુઆરી 2021થી ખાલી છે. ઈસી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ચૂંટણીનું નોટિફિકેશન 6 ઑક્ટોબરે બહાર પડશે. ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ 13 ઑક્ટોબર રહેશે, જ્યારે 14 ઑક્ટોબર સુધી ઉમેદવારીની તપાસ કરવામાં આવશે. ઉમેદવારોને 16 ઑક્ટોબર સુધી પોતાનું નામ પાછું ખેંચવાની છૂટ આપવામાં આવશે.
ચૂંટણી પંચે જણાવ્યું કે, 24 ઑક્ટોબરે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. લાંબા સમયથી ખાલી પડેલી આ બેઠકો પર ચૂંટણી યોજાવાની જાહેરાતથી જમ્મુ-કાશ્મીરના રાજકીય વર્તુળોમાં ચહલપહલ જોવા મળી રહી છે.