ઊંઝા માર્કેટિંગ યાર્ડ (એપીએમસી)ના ચેરમેનની ચૂંટણી 26મી સપ્ટેમ્બરે યોજાશે
- ડિરેક્ટરો ચૂંટાયા બાદ નવ મહિના પછી હવે ચૂંટણી યોજાશે,
- છેલ્લા ઘણા સમયથી ઊંઝા APMCમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે,
- ચેરમેન પદ માટે કયા ઉમેદવારો મેદાનમાં ઉતરે છે, તે રસપ્રદ રહેશે.
મહેસાણાઃ ઊંઝા માર્કેટિંગ યાર્ડ APMC (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના ચેરમેનની ચૂંટણીની તારીખ આખરે જાહેર થતા જિલ્લાના સહકારી ક્ષેત્રે ગરમાવો આવ્યો છે. ઊંઝા એપીએમસીના ડિરેક્ટરની ચૂંટણી યોજાયાના નવ મહિના લાંબા સમયગાળા બાદ હવે 26મી સપ્ટેમ્બરે ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી સવારે 11 વાગ્યે ઊંઝા APMC ખાતે થશે.
ઊંઝા એપીએમસીમાં છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું હતું, જેના કારણે વહીવટી કાર્યમાં વિલંબ અને અન્ય પ્રશ્નો ઊભા થયા હતા. ડિરેક્ટરની ચૂંટણી નવ મહિના પહેલા થઈ ચૂકી હતી, પરંતુ ચેરમેન પદ માટેની ચૂંટણી બાકી હોવાથી વહીવટ સંપૂર્ણપણે નવી કમિટીના હાથમાં આવ્યો ન હતો. આખરે ચૂંટણીની તારીખ જાહેર થતાં હવે ઊંઝા APMCને તેનું નવું નેતૃત્વ મળશે તેવી આશા જાગી છે. ચેરમેનપદ માટે કયા ઉમેદવારો મેદાનમાં ઉતરે છે અને કયા જૂથનો વિજય થાય છે તે જોવું રસપ્રદ રહેશે. આ ચૂંટણી APMCના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે. દેશમાં સૌથી મોટુ યાર્ડ ગણાય છે. ત્યારે ચેરમેનનું મહત્વનું પદ મેળવવા માટે ભારે રસાકસી થલાની શક્યતા છે. ઊંઝા એપીએમસીમાં વહીવટદારના શાસનનો અંત આવતાં વેપારીઓ અને ખેડૂતોને પણ નવા ચેરમેન પાસેથી વહીવટી સુધારાઓ અને પારદર્શિતાની અપેક્ષા છે. 26મી સપ્ટેમ્બરનો દિવસ ઊંઝા APMC માટે એક નવો અધ્યાય શરૂ કરશે.