મહારાષ્ટ્ર ચૂંટણીમાં વોટની સંખ્યાને લઈને કોંગ્રેસના સવાલોનો ચૂંટણીપંચે આપ્યો જવાબ
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટોની સંખ્યા અને મતદાન ટકાવારીને લઈને કોંગ્રેસે તરફથી ઉઠાવવામાં આવેલા સવાલોને લઈને ચૂંટણીપંચ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, મતદાન દરમિયાન પોલિંગ એજન્ટને મતદાન ટકાવારી અને કુલ વોટની સંખ્યાની જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ પણ ફરિયાદ હોય અને જાણકારી હોય તો ચૂંટણીપંચ તેમને સાંભળવા માટે તૈયાર છે. તેમજ પત્ર પાઠવીને કોંગ્રેસ પ્રતિનિધિમંડળને 3 ડિસેમ્બરના રોજ સાંજના પાંચ વાગે પોતાની ફરિયાદો લઈને આવવા આમંત્રણ આપ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની આગેવાનીમાં મહાવિકાસ અઘાડીના પરાજ્ય બાદ કોંગ્રેસ, શિવસેના(ઠાકરે) તથા એનસીપી (શરદ પવાર) દ્વારા ઈવીએમ અને ચૂંટણી પંચની કામગીરી સામે સવાલ ઉઠાવાયાં હતા. તેમજ બેલેટ પેપરથી ચૂંટણી યોજાવની માંગણી કરી હતી. આ ઉપરાંત ઈવીએમને લઈને અનેક સવાલો ઉભા કર્યાં હતા.