રાજકોટમાં વૃદ્ધ દંપત્તીને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 88 લાખ પડાવ્યા, ત્રણની ધરપકડ
- આરોપીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપીને વૃદ્ધ દંપત્તીને ધમકી આપી,
- વૃદ્ધ દંપત્તને ગોલ્ડલોન લેવડાવીને રૂપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા,
- પરિવારના કોઈ સભ્યને જાણ ન કરાવાની ધમકી આપી હતી
રાજકોટઃ સરકાર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવે છે. કે, કોઈને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા નથી, સાયબર માફિયાથી સાવચેત રહેવાની સુચના આપવા છતાંયે ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાઓની જાળમાં ફસાતા હોય છે. સાયબર માફિયાઓએ રાજકોટ સેશન્સ કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક અને તેના પત્નીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 88 લાખની છેતરપિંડી કરી છે. આરોપીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપીને મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં આખી જિંદગી જેલમાં રહેવાની વૃદ્ધ દંપત્તીને ધમકી આપીને ફસાવ્યા હતા, અને ગોલ્ડલોન લેવડાવીને પણ પૈસા ઉલેચ્યા હતાં. 69 વર્ષીય વૃદ્ધ દિનેશભાઈ દેલવાડિયાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
આ કેસના ફરિયાદી દિનેશભાઇ જીવણભાઇ દેલવાડીયા (ઉ.વ.69)એ જણાવ્યું હતું કે, હું અને મારા પત્ની અનિતા સાથે રહીએ છીએ. હું રાજકોટ સેસન્સ કોર્ટમાં આસિસ્ટન્ટ કલાર્ક તરીકે નોકરી કરતો હતો, હાલ રીટાયર્ડ છું અને બોલબાલા ટ્રસ્ટમાં છેલ્લા 5 વર્ષથી કમિટી મેમ્બર તરીકે સેવા આપી રહ્યો છું. ગત તા. 08 જુલાઈ, 2025ના રોજ હું તથા મારી પત્ની ઘરે હતાં. ત્યારે સવારના 8 વાગ્યા આસપાસ મને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ જણાવ્યુ હતું કે, હું ટેલિફોન વિભાગમાંથી બોલું છું અને તમને 10 મિનિટ પછી દિલ્હી ક્રાઈમ બ્રાંચમાંથી સુનીલકુમાર ગૌતમનો ફોન આવશે, તમે તેની સાથે વાત કરી લેજો તેવું કહી ફોન કટ કરી દીધો હતો. 10 મિનિટ પછી એક અજાણ્યા વ્હોટ્સઅપ નંબરથી ફોન આવ્યો અને હું દિલ્હી ક્રાઈમ બ્રાંચમાથી બોલું છું તેમ કહી દિલ્હી ક્રાઈમ બ્રાંચમાં સંદીપ કુમાર જે ICICI બેંક મેનેજર હતાં, તેઓ વિરૂધ્ધ મની લોન્ડરિંગનો ગુનો દાખલ થયો છે અને સંદીપકુમારે જે ફ્રોડ કરેલો છે, તેમાથી તમને સંદિપકુમારે 10% હિસ્સો આપ્યો હોવાનું નિવેદન આપ્યું છે. સંદીપ કુમારના ઘરે રેઈડ કરતા આઠ મિલિયન રોકડ રકમ, 180 જુદી જુદી બેંકોની પાસબૂક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેકબૂકો તથા મોટા જથ્થાનું ડ્રગ્સ કબ્જે કરેલો છે. જેના હિસ્સેદાર તમે પણ છો અને આ કેસમાં તમને આખી જીંદગી જેલમાં રહેવું પડશે. તેમ કહી વૃદ્ધને મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી
રાજકોટના વૃદ્ધ દંપત્તીને દિલ્હી ક્રાઈમ બ્રાંચની ખોટી ઓળખ આપી 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી 10 જુલાઈ, 2025થી શરૂ કરી 02 ઓગસ્ટ, 2025 સુધીમાં 11 વખત જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરાવી કુલ 88 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. બનાવ અંગે દીકરા કૃણાલને જાણ કરતા તેણે સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગરના હેલ્પલાઈન નંબર 1930માં કોલ કરી ઓનલાઇન અરજી કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલએ જણાવ્યું હતું કે, ડિજિટલ એરેસ્ટ અંગે ફરિયાદ બાદ તાત્કાલિક અસરથી આરોપી પકડવા સૂચના આધારે ટેક્નિકલ સોર્સીસ મદદથી તપાસ કરતા આરોપીઓ જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. તે પૈકી એક એકાઉન્ટ ધારક બ્રિજેશ પરેશભાઈ પટેલ ભાવનગરના હોવાનું સામે આવ્યું હતું અને તેના ખાતામાં રૂપિયા 10 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ ધારક સાથે કમિશનમાં બે અન્ય આરોપીઓના નામ ખુલવા પામ્યા હતા જેથી પોલીસે ત્રણ આરોપી બ્રિજેશ પટેલ, મોહસીન શેખ અને મહમ્મદ હલારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં ભારતના અન્ય રાજ્યમાંથી ઓનલાઈન સાયબર ફ્રોડની મોટી રકમ જમા થઇ હોવાનું પણ સામે આવ્યું છે.