દાઉદના વિશ્વાસુ ડ્રગ્સ માફિયા સલીમ ડોલાની સામે ઈડીની કાર્યવાહી, મુંબઈમાં 8 સ્થળો ઉપર દરોડા
મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન અને આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ હાલ પડોશી દેશ પાકિસ્તાનમાં છુપાયેલો છે. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા અંડરવર્લ્ડ સાથે જોડાયેલા શખ્સો સામે કાનૂની ગાળિયો કસ્યો છે. દરમિયાન કેન્દ્રીય એજન્સી ઈડીએ મુંબઈમાં દાઉદના વિશ્વાસુ મનાતા સલીમ ડોલાના ડ્રગ્સ નેટવર્કને લઈને દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. ઈડીએ પીએમએલએ 2002 હેઠલ મુંબઈમાં 8 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઈડીની આ કાર્યવાહી ફેસલ જાવેદ શેખ અને અલ્ફિયા ફેસલ શેખ દ્વારા સંચાલિત ડ્રગ્સ રેકેટથી એકત્ર કરેલી મિલક્તને લઈને કરવામાં આવી રહી છે.
તપાસમાં ખુલ્યું હતું કે, ફૈસલ શેખ કુખ્યાત ડ્રગ્સ માફિયા સલીમ ડોલાના માધ્યમથી એમડી ડ્રગ્સની ખરીદી કરી રહ્યો હતો. સલીમ ઉપર લાંબા સમયથી કેન્દ્રીય એજન્સીઓ નજર રાખી રહી છે અને તેની ઉપર ડ્રગ્સની તસ્કરી અને ગેરકાયદે નેટવર્કને ફંડીંગનો આરોપ છે. સલીમ ડ્રગ્સ તસ્કરીની દુનિયામાં મોડુ નામ હોવાનું જાણવા મળે છે તેમજ તેની સામે અગાઉ પણ અનેક કેસ નોંધાઈ ચુક્યાં છે. એનસીબીએ સલીમ ડોલાની ધરપકડને લઈને ઈનામની જાહેરાત પણ કરી છે. સલીમ લાંબા સમયથી વોન્ટેડ છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કને ફંડીગ કરતો હોવાનું જાણવા મળે છે. ઈડીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશ વિરોધી પ્રવૃતિ અને ગુનાખોરીને ડામવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઈડી અને એનઆઈએ સહિતની એજન્સીઓ દ્વારા સમગ્ર દેશમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.