ઈડીએ અનિલ અંબાણીનો બંગલો સહિત 40થી વધારે મિલકત જપ્ત કરી
નવી દિલ્હીઃ પ્રવર્તન નિદેશાલય (ED) એ મની લોન્ડરિંગ સાથે જોડાયેલા એક કેસમાં રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની 40થી વધુ મિલ્કતો તાત્કાલિક રીતે કબ્જે કરી લીધી છે. તેમાં અનિલ અંબાણીનું મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલા બંગલાનો પણ સમાવેશ થાય છે. કુલ કબ્જે કરાયેલી સંપત્તિનું મૂલ્ય અંદાજે રૂ. 3,084 કરોડ ગણવામાં આવ્યું છે. EDએ આપેલી માહિતી અનુસાર, દિલ્હી, નોઈડા, ગાજિયાબાદ, મુંબઈ, પુણે, ઠાણે, હૈદરાબાદ, ચેન્નાઈ, કાંચીપુરમ અને પૂર્વ ગોદાવરી સહિતના શહેરોમાં આવેલી મિલ્કતો કબ્જે કરવામાં આવી છે. તેમાં રહેણાંક, ઓફિસ અને જમીનના પ્લોટોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL) દ્વારા સામાન્ય લોકો પાસેથી એકત્રિત કરાયેલા ફંડની ગેરરીતિ અને ધનશોધન સાથે સંબંધિત છે. EDની તપાસ મુજબ 2017 થી 2019 વચ્ચે યસ બેંકે આ બંને કંપનીઓમાં આશરે રૂ. 5,000 કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ આ રોકાણ બાદમાં નૉન-પરફોર્મિંગ એસેટ (NPA)માં ફેરવાયું અને આશરે રૂ. 3,300 કરોડથી વધુ બાકી રહી ગયા હતા.
EDએ જણાવ્યું કે, નિયમો અને SEBIની માર્ગદર્શિકાઓને અવગણીને ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, રિલાયન્સ નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાયેલાં નાણા યસ બેંક મારફતે અનિલ અંબાણી ગ્રુપની અન્ય કંપનીઓમાં વપરાતા હતા. એજન્સી મુજબ, લોન મંજૂરીની પ્રક્રિયામાં ઈરાદાપૂર્વકની ખામી જોવા મળી હતી, જેમાં ઘણા દસ્તાવેજો ખાલી, ઓવરરાઇટેડ અને બિનતારીખવાળા મળ્યા હતા.
EDએ જણાવ્યું કે કેટલીક લોન અરજીઓમાં મંજૂરી અને વિતરણનો આખી પ્રક્રિયા એક જ દિવસે પૂર્ણ થઈ ગઈ હતી, જ્યારે કેટલીક જગ્યાએ તો લોન વિતરણ મંજૂરી પહેલા જ થઈ ગયું હતું. આ કાર્યવાહી સાથે EDએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) સામેના રૂ.13,600 કરોડના છેતરપીંડી કેસમાં પણ તપાસ ઝડપથી આગળ ધપાવી છે.