વક્ફની જમીન પચાવી પાડનારા સલીમખાન પઠાણના ઘર પર ઈડીના દરોડા
- ઈડીએ સલીમખાનમા ઘર સહિત 10 સ્થળોએ સર્ચ કર્યુ
- જમાલપુર અને ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ કરાયુ,
- કરોડોની બેનામી મિલકતો મળે તેવી શક્યતા
અમદાવાદઃ શહેરમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદે દબાણ કરનારા સલીમ જુમ્માખાન પઠાણના ઘર સહિત 10 અલગ-અલગ જગ્યાએ ઈડી (એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ) દ્વારા દરોડા પાડવામાં આવતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના જમાલપુરમાં આવેલી સલીમખાનની મિલ્કતો ઉપરાંત તેના ખેડામાં આવેલી ફાર્મ હાઉસ સહિત ED દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કરોડોની બેનામી મિલક્તો મળી આવે તેવી શક્યતા છે.
સૂત્રોના કહેવા મુજબ, આજે વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સૌદાગર બિલ્ડર્સ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનારા સલીમ જુમ્માખાન પઠાણનાં નિવાસસ્થાન સહિત અલગ-અલગ સ્થળો પર ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ-ઓપરેશન કરવામાં આવ્યું છે. સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા વક્ફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની મિલકતો અને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં સલીમખાન સહિતના પાંચ લોકોએ વક્ફ બોર્ડની અને બોર્ડે AMCને આપેલી જમીન પર ગેરકાયદે દુકાનો અને મકાન બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી હોવાનું કહેવાય છે. જે પાંચ લોકો ઝડપાયા છે તેઓ વક્ફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસેથી ભાડાની વસૂલાત કરતા હતા. તેઓ 100 મકાનનું મકાન દીઠ 7થી 8 હજાર ભાડું લેતા હતા. ઉપરાંત વક્ફ બોર્ડે AMCને શાળા માટે આપેલી જમીન પરની શાળા જર્જરિત થયા બાદ આરોપીઓએ ત્યાં નવી શાળા બનાવવાના બદલે ગેરકાયદે દુકાન ખડકી દીધી હોવાનું પણ સામે આવ્યું હતું. સલીમખાન સહિતના શખસો વક્ફ બોર્ડની અંદાજિત 100 કરોડની મિલકતનું ગેરકાયદે રીતે ભાડું વસૂલતા હોવાનો ખુલાસો થયો છે. અગાઉ જમાલપુરમાં કાચની મસ્જિદની પાસે રહેતા મોહમ્મદ રફીક અન્સારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ વર્ષોથી કાચની મસ્જિદ ટ્રસ્ટની મિલકતમાં રહે છે. ટ્રસ્ટના તમામ જૂના ટ્રસ્ટીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. મસ્જિદ ટ્રસ્ટમાં મસ્જિદને અડીને જમીન આવેલી છે. જમીન વર્ષો પહેલાં ટ્રસ્ટ દ્વારા એએમસીને સોંપવામાં આવી હતી. ઈડીના દરોડામાં કેટલાક દસ્તાવેજો મળ્યા હોવાનું કહેવાય છે. અને કરોડોની બેનામી મિલકતો મળે તેવી શક્યતા છે.