ED દ્વારા ઓનલાઈન સટ્ટેબાજી કેસમાં કોંગ્રેસના MLA કેસી વીરેન્દ્રની ધરપકડ કરાઈ, દરોડામાં કરોડની મતા જપ્ત કરાઈ
બેંગ્લોરઃ ઈડી ગેરકાયદે ઓનલાઈન અને ઓનલાઈન સટ્ટેબાજી કેસમાં કર્ણાટકના ચિત્રદુર્ગ મતવિસ્તારના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ગંગટોકથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. PMLA, 2002 હેઠળ તેમના સંબંધિત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં લગભગ 12 કરોડ રૂપિયા રોકડા, 6 કરોડ રૂપિયાના સોનાના દાગીના, લગભગ 10 કિલો ચાંદીની વસ્તુઓ અને ચાર વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલી રકમમાં એક કરોડ રૂપિયાની વિદેશી ચલણનો સમાવેશ થાય છે.
અગાઉ, EDએ ગઈકાલે મની લોન્ડરિંગ કેસમાં વીરેન્દ્ર અને કેટલાક અન્ય લોકો સાથે જોડાયેલા સ્થળો પર ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. કેસી વીરેન્દ્ર કુમાર પપ્પી ચિત્રદુર્ગ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી રહી છે. ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ સંબંધિત કેસમાં ધારાસભ્ય અને કેટલાક અન્ય લોકો સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બેંગલુરુ પ્રાદેશિક કાર્યાલય અનુસાર, ચિત્રદુર્ગ જિલ્લામાં (છ જગ્યાઓ), બેંગલુરુ શહેર (10 જગ્યાઓ), જોધપુર (ત્રણ જગ્યાઓ), હુબલી (એક જગ્યાઓ), મુંબઈ (બે જગ્યાઓ) અને ગોવા (પાંચ કેસિનો સહિત આઠ જગ્યાઓ) 30 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજીના સંદર્ભમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે આરોપી કિંગ567, રાજા567, પપી'સ003 અને રત્ના ગેમિંગના નામે અનેક ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ ચલાવી રહ્યો છે.