જંક ફૂડને આરોગવાથી મગજની પ્રવૃતિ ઉપર પડે છે ઊંડી અસર
જો તમે પણ ચોકલેટ બાર, ચિપ્સ અને અન્ય જંક ફૂડના દિવાના છો, તો ચેતજો. તાજેતરના એક અભ્યાસમાં આશ્ચર્યજનક ખુલાસો થયો છે કે માત્ર 5 દિવસ માટે ઉચ્ચ કેલરી અને ચરબીયુક્ત ખોરાક ખાવાથી મગજની કાર્ય કરવાની રીત બદલાઈ શકે છે, જે સ્થૂળતાથી પીડાતા લોકોમાં જોવા મળતી પેટર્ન સાથે મેળ ખાય છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શરીરના વજન અથવા રચનામાં કોઈ ફેરફાર ન થયો હોવા છતાં, જંક ફૂડના સેવનથી મગજની પ્રવૃત્તિ પર ઊંડી અસર પડી હતી. આ અભ્યાસ 'નેચર' જર્નલમાં પ્રકાશિત થયો છે.
જર્મનીની ટ્યુબિંગેન યુનિવર્સિટીના ન્યુરોસાયન્ટિસ્ટ સ્ટેફની કુહલમેન અને તેમની ટીમે 29 સ્વસ્થ પુરુષો પર આ અભ્યાસ હાથ ધર્યો હતો. આમાંથી, 18 સહભાગીઓને 5 દિવસ માટે ઉચ્ચ-કેલરી ખોરાક આપવામાં આવ્યો હતો, જેમાં દરરોજ લગભગ 1500 કેલરીવાળા ઉચ્ચ-ચરબી અને ઉચ્ચ-ખાંડવાળા નાસ્તાનો સમાવેશ થતો હતો. જોકે, સરેરાશ, આ લોકોએ દરરોજ કેલરીના સેવનમાં 1,200 કેલરીનો વધારો કર્યો. મગજની પ્રવૃત્તિને સમજવા માટે સંશોધકોએ સહભાગીઓના મગજમાં રક્ત પ્રવાહની છબી બનાવી. આ ઇમેજિંગ 5-દિવસના સમયગાળા પહેલા, પછી અને એક અઠવાડિયા પછી કરવામાં આવ્યું હતું.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માત્ર પાંચ દિવસ સુધી જંક ફૂડ ખાધા પછી, સહભાગીઓએ મગજના એવા ભાગોમાં વધુ પ્રવૃત્તિ દર્શાવી જે ખોરાકના પુરસ્કારો અને આહારમાં ફેરફાર સાથે સંકળાયેલા છે. આ એ જ પેટર્ન છે જે સામાન્ય રીતે સ્થૂળતા અને ઇન્સ્યુલિન પ્રતિકાર સાથે સંકળાયેલા છે.
અભ્યાસ મુજબ, "જ્યારે આપણે કંઈક ખાઈએ છીએ, ત્યારે શરીર ઇન્સ્યુલિન છોડે છે, જે ભૂખને નિયંત્રિત કરે છે. પરંતુ મેદસ્વી લોકોમાં, મગજનો ઇન્સ્યુલિન પ્રતિભાવ નબળો પડી જાય છે, જે શરીર ખોરાકની પ્રક્રિયા કરવાની રીતને અસર કરે છે. આશ્ચર્યજનક રીતે, જંક ફૂડ બંધ કર્યાના એક અઠવાડિયા પછી પણ, આ લોકોના મગજના તે ભાગોમાં ઓછી પ્રવૃત્તિ જોવા મળી, જે યાદશક્તિમાં અને ખોરાક સંબંધિત દ્રશ્ય સંકેતોને સમજવામાં મદદ કરે છે.
સ્ટેફની કુલમેને જણાવ્યું હતું કે અભ્યાસમાં સમાવિષ્ટ ઉચ્ચ કેલરીવાળા ખોરાકનું પ્રમાણ વધુ લાગે છે, પરંતુ તે સામાન્ય રીતે તહેવારો અથવા રજાઓ દરમિયાન ખાવામાં આવતા ખોરાકની પેટર્ન જેવું જ છે.