શિયાળામાં આરોગ્ય માટે અમૃત સમાન સૂંઠના લાડુ ખાવાથી શરદી-ખાંસી થશે દૂર
શિયાળાની ઋતુ શરૂ થતાં જ શરીરમાં ઠંડીની અસર વધવા લાગે છે. આવા સમયમાં શરદી, ઉધરસ, તાવ અને સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય બની જાય છે. પરંતુ જો આ સમયથી જ કેટલાક દેશી ઉપચાર શરૂ કરી દેવામાં આવે તો આખો શિયાળો તંદુરસ્ત રહી શકાય છે. આપણા ઘરોમાં શિયાળામાં “વસાણા” ખાવાની પરંપરા છે, જેમાં મેથી પાક, ગુંદર પાક, ખજૂર પાક અને અડદિયાં સાથે સૂંઠના લાડુને ખાસ સ્થાન મળ્યું છે.
સૂંઠના લાડુના આરોગ્ય લાભ: આ લાડુ શરીરને ગરમ રાખે છે, તાવ અને ચેપગ્રસ્ત બીમારીઓથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને બાળકો અને વડીલો માટે તે લાભદાયી છે.
- જરૂરી સામગ્રી
2 કપ ઘઉંનો લોટ
2 ચમચી સૂંઠનો પાવડર
1 કપ છીણેલો ગોળ
1 કપ ઘી
કાજુ, બદામ, પિસ્તા અને એલચી પાવડર જરૂરી મુજબ
- બનાવવાની રીત
સૌ પ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ઘઉંનો લોટ ઉમેરો. ધીમા તાપે 5-10 મિનિટ સુધી સાંતળો, જ્યાં સુધી લોટ સોનેરી રંગનો ન થાય અને સુગંધ ન આવે. હવે તેમાં સૂંઠનો પાવડર અને એલચી મિક્સ કરો. અલગ કઢાઈમાં થોડું ઘી ઉમેરી ગોળ ઓગાળો (ગોળને વધુ ન રાંધશો). આ ગોળનું મિશ્રણ લોટમાં ઉમેરી સારી રીતે મિક્સ કરો. પછી તેમાં સમારેલી બદામ અને પિસ્તા ઉમેરો. જ્યારે મિશ્રણ હૂંફાળું રહે ત્યારે નાના લાડુ વાળી લો.
- નિયમિત સેવનના લાભ
જો તમે દરરોજ એક-બે સૂંઠના લાડુ ખાશો તો ઠંડી-ઉધરસથી બચી શકશો અને શરીરમાં ગરમી તેમજ તાકાત બંને જળવાઈ રહેશે. શિયાળાની ઋતુમાં આ એક પરંપરાગત અને પ્રભાવશાળી દેશી નુસ્ખો માનવામાં આવે છે.