પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો, 5.8ની તીવ્રતા નોંધાઈ
લાહોરઃ મ્યાનમારમાં તાજેતરમાં ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો. જેમાં 3500થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જે બાદ મ્યાનમારમાં ભૂકંપના હળવા આંચકા પણ નોંધાયા હતા. દરમિયાન હવે ભારતના પડોશીદેશ પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું જાણવા મળે છે. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો અને ઓફિસ કે ઘરની બહાર દોડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં આજે બપોરના સમયે લગભગ 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ રાવલપિંડીથી 60 કિમી દૂર ઉત્તર-પશ્ચિમમાં નોંધાયું હતું. પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદ, રાવલપિંડી, અટક, ચકવાલ, પંજાબ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, આ આચંકામાં જાનહાનીના કોઈ અહેવાલ સાંપડ્યાં નથી.
નોંધનીય છે કે ગયા મહિને જ 28 માર્ચે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મ્યાનમારમાં ભૂકંપના કારણે થાઇલૅન્ડમાં પણ ભારે નુકસાન થયું હતું.