અમરેલીના ખાંભામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતા નોંધાઈ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપના બનાવો નોંધાઈ રહ્યાં છે. દરમિયાન આજે અમરેલી જિલ્લાના ખાંભામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અમરેલીમાં સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો અને લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, અમરેલી તેમજ આસપાસના વિસ્તારમાં સવારે 10.12 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપના ઝટકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ખાંભાના ઇંગોરાળા, નાના વિસાવદર, ભાડ, વાંકિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગામ્ય ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખાંભાના ભાડ સહિત ગામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
કચ્છમાં 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે. એટલું જ નહીં કચ્છના પેટાળમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાથી કચ્છ અને આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા આવતા હોવાનું જાણકારો માની રહ્યાં છે.