ઉત્તર ભારતમાં ભૂકંપનો આંચકો, હરિયાણાના ઝજ્જરમાં નોંધાયુ કેન્દ્રબિંદુ
નવી દિલ્હીઃ દિલ્હી-હરિયાણા અને યુપીમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો અને લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી ગયા હતા. સવારે 9.04 વાગ્યે ધરતી જોરદાર રીતે ધ્રુજી ઉઠી હતી. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ, જીંદ, રોહતક, ભિવાની, ઝજ્જર, બહાદુરગઢ સહિત અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે ભારતીય સમય મુજબ સવારે 9:04 વાગ્યે હરિયાણાના ઝજ્જરમાં રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં પણ તેના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઝજ્જરમાં બે મિનિટમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ઝજ્જરમાં સવારે 9:07 વાગ્યે ભૂકંપનો પહેલો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ સવારે 9:10 વાગ્યે હળવો આંચકો અનુભવાયો હતો. અચાનક આવેલા ભૂકંપથી લોકો ગભરાઈ ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઝજ્જરથી 10 કિમી ઉત્તરમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી.
ઝજ્જરમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી ગયા હતા. સ્થાનિક રહેવાસી રમેશ કુમારે જણાવ્યું કે સવારે અચાનક પલંગ ધ્રુજવા લાગ્યો, અને બે મિનિટ પછી ફરીથી હળવો આંચકો આવ્યો હતો. અમે ડરીને બહાર નીકળી ગયા હતો. જોકે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.