અમદાવાદમાં પાન પાર્લરમાંથી બે દિવસમાં ઈ-સિગારેટનો 14 લાખનો જથ્થો પકડાયો
- સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડ્યા દરોડા
- મુંબઈથી ઈ- સિગારેટનો જથ્થો લવાયો હતો
- આરોપીઓ ઈ-સિગારેટનો જથ્થો કારમાં છુપાવીને રાખતા હતા
અમદાવાદઃ શહેરમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. જેમાં હવે ઈ-સિગારેટનું ચલણ પણ વધી રહ્યું છે. શહેરમાં કેટલાક પાનના ગલ્લે ઈ-સિગારેટ વેચાય રહ્યાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બોડકદેવ વિસ્તારના પાનના એક ગલ્લા પર રેડ પાડતા 4.91 લાખની ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 4.24 લાખની રોકડ, બે કાર સાથે બે યુવાનોની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરના લક્ઝ્યુરિસ પાન પાર્લરમાં ઇ-સિગારેટ વેચાઇ રહ્યાનો વધુ એક વખત પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કર્યો છે. બોડકદેવ વિસ્તારમાં એક પાનપાર્લરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને 4.91 લાખની ઇ-સિગારેટ, 4.24 લાખ રોકડા તેમજ 34 લાખ રૂપિયાની બે કાર સાથે બે લોકોની ધરપકડ કરી છે. લક્ઝ્યુરિસ પાન પાર્લરના માલિકની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે, તેઓ આ માલ મુંબઈથી મંગાવતા હતાં. ઇ-સિગારેટનો જથ્થો તેમની ગાડીઓમાં કે ગુપ્ત જગ્યાએ સંતાડીને રાખતા હતાં. બાદમાં ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે આપતા હતાં. તાજેતરમાં કાલુપુરમાં પણ એસએમસીએ 9.11 લાખની ઇ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના રાજપથ ક્લબ પાસે આવેલા રંગોલી રોડ પાસેના સાલીસ્ટર બિલ્ડિંગમાં પાપાગો નામનુ પાન પાર્લર આવેલુ છે, જેમાં ગેરકાયદે ઇ-સિગારેટનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે એસએમસીએ તરત જ રેડ કરવાનો પ્લાન કર્યો હતો અને એક ટીમ તૈયાર કરી હતી. પીએસઆઇ કે. ડી. રાવીયાની આગેવાની હેઠળ એસએમસીની ટીમ રેડ કરવા પહોંચી હતી. જ્યાં મનન નરોત્તમ પટેલ (રહે, રુકમણી નિવાસ, આંબાવાડી) અને મોહિત વિશ્વકર્મા (રહે, પાપાગો પાન પાર્લર, બોડકદેવ)ની અટકાયત કરી હતી. એસએમસીની ટીમે પાન પાર્લરમાં ઇ-સિગારેટ મામલે સર્ચ કર્યુ હતું, પરંતુ મળી ન આવતા મનનની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી. મનનની પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને ઇ-સિગારેટ ક્યાં છુપાવી છે, તેની હકીકત કહી દીધી હતી. મનને જણાવ્યુ હતું કે, સાલીસ્ટર બિલ્ડિંગની બીઝમેન્ટમાં બે કાર પાર્ક કરેલી છે, તેમા ઇ-સિગારેટનો જથ્થો છુપાયો છે. જેથી એસએમસીની ટીમ તુરંત મનન અને મોહિતને લઇને બેઝમેન્ટમાં પહોંચી ગઇ હતી. જ્યાં એસએમસીએ કારમાંથી 434 નંગ ઇ-સિગારેટ તેમજ રોકડ રકમ જપ્ત કરી છે. ઇ-સિગારેટ અને રિફિલની કિંમત 4.91 લાખ રૂપિયા થાય છે. પોલીસે ઇ-સિગારેટ પાસે પડેલા 4.24 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા.
એસએમસીએ ઇ-સિગારેટ સિવાય સિગાર સહિત વિદેશી સિગારેટનો જથ્થો પણ જપ્ત કર્યો છે. વિદેશી સિગારેટ દાણચોરી કરીને વિદેશથી લાવવામાં આવે છે, જેનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ છે. નિયમો અનુસાર બોક્સ પર 80 ટકા કેન્સરનું પિક્ચર હોય તેવી સિગારેટ વેચી શકાય, પરંતુ કેટલીક સિગારેટ એવી હોય છે કે જેના બોક્સ પર 80 ટકા કેન્સરનું પિક્ચર હોતુ નથી, જે વેચવી ગુનો બને છે. આ પાન પાર્લરમાં વિદેશી સિગારેટનો જથ્થો હતો, જેથી પોલીસે તેને જપ્ત કર્યો છે.