સુરતમાં થર્ટી ફર્સ્ટને લીધે રાતભર હોટલોનું ચેકિંગ કરાયું, રસ્તાઓ પર પોલીસે ડ્રાઈવ યોજી
સુરતઃ શહેરમાં કાલે મંગળવારે થર્ટી ફર્સ્ટને લીધે અનેક સ્થળોએ મ્યુઝિક જલસાનું આયોજન કરું છે. ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ છે. છેલ્લા બે દિવસથી પોલીસ દ્વારા રાતભર વિવિધ હોટલોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત રસ્તાઓ પર ઊભા રહીને પોલીસ દ્વારા વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.
થર્ટી ફર્સ્ટની પાર્ટી અને નવા વર્ષને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સુરત શહેર પોલીસ એક્શન મોડમાં છે. પોલીસ માત્ર રોડ પર લોકોના વાહનો અને દારૂ પીધેલાનું ચેકિંગ જ નથી કરી રહી, પરંતુ જ્યાંથી દારૂ આવી રહ્યો છે, ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. શહેરના અલથાણ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસ પહોંચી હતી અને રેડના લાઈવ દૃશ્યો પણ જોવા મળ્યા છે. પોલીસે 1.37 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. એટલું જ નહીં, ઓયો સહિત અન્ય હોટલોની ચેકિંગ પણ કરવામાં આવી રહી છે. પાન ગલ્લા પર આવતા લોકો અને રસ્તા પર વાહન ચલાવનાર લોકો દારૂના નશામાં છે કે નહીં તે મશીનના માધ્યમથી ચેક કરવામાં આવી રહ્યા છે.
સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઊજવણી અને નવા વર્ષની શરૂઆતમાં કોઈ અઇચ્છનીય બનાવ ન બને, તે માટે પોલીસ એલર્ટ છે. ખાસ કરીને ડુમ્મસ, અલથાણ અને વેસુ વિસ્તારમાં આયોજિત થતી પાર્ટીઓને ધ્યાનમાં રાખીને, પોલીસ દ્વારા આ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. અલથાણ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઘણીબધી હોટલોનુ પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યુ છે. જે પ્રવાસીઓએ હોટલ બુકિંગ કરાવ્યુ હોય તો તેની પણ વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે. હોટલમાં કોણ આવે છે, તેમના ઓળખના પુરાવા લેવામાં આવી રહ્યા છે કે નહીં, તે અંગેની પણ માહિતી પોલીસે હોટલ માલિકો પાસેથી મેળવી છે. એટલું જ નહીં, પાન ગલ્લા અને દુકાનો પર પણ પોલીસે અચાનક ચકાસણી શરૂ કરી દીધી છે. ગલ્લાની દુકાનોમાં શું વેચવામાં આવે છે અને ત્યાં હાજર લોકો દારૂના નશામાં છે કે નહીં, તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પાનના ગલ્લાના કર્મચારીઓ અને ત્યાં આવનારા લોકોની મશીનના માધ્યમથી ચકાસણી કરવામાં આવી છે કે તેઓ દારૂના નશામાં છે કે નહીં.
શહેર પોલીસે દેશી દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી હતી. ભીમરાડ ગામમાં રહેતા મહેશભાઈ પટેલ તેના સાસુ-સસરાની જમીનમાં ઓરડી બનાવી, મજૂરો મારફતે દારૂ ગળાવે છે. તેની ભઠ્ઠી પાસે તેની પત્ની મયુરીબેન દેખરેખ રાખે છે. પોલીસએ આ ભઠ્ઠી શોધી કાઢી, કુલ 1.37 લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે કર્યા છે, જેમાં 189 લીટર દારૂ, 1,330 લીટર ગોળનું રસાયણ અને 1,200 રૂપિયાના એલ્યુમિનિયમ તાગારા સહિત સામાનનો સમાવેશ થાય છે. પોલીસે મયુરીબેન અને મજૂર અરવિંદને ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી મહેશભાઈ હાલ વોન્ટેડ છે.