કડકડતી ઠંડીને લીધે મોર્નિંગ સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવા માંગ
• વડોદરા પેરેન્ટ્સ એસો.એ શિક્ષણમંત્રીને કરી રજુઆત
• ઠંડીમાં વધારો થતાં મોર્નિંગ સ્કૂલોના બાળકોને પડતી મુશ્કેલી
• શાળાનો સમય સવારે 8 વાગ્યાથી કરવા વાલીઓની માગ
અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ઠંડીને લીધે જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. મોર્નિંગ સ્કૂલોમાં બાળકોની હાલત મુશ્કેલ બનતી હોય છે. કડકડતી ઠંડીમાં બાળકોને વહેલા ઊઠીને સ્કુલબસ કે વાનમાં વહેલી સવારમાં શાળામાં પહોંચવું પડતું હોય છે. ત્યારે મોર્નિંગ શાળાના સમય એક કલાક મોડો કરવા વાલીઓમાં માગ ઊઠી છે. વડોદરાના પેરેન્ટ્સ એસો.એ તો શિક્ષણમંત્રીને પત્ર લખીને ઠંડીને લીધે મોર્નિંગ સ્કૂલનો સમય 7 વાગ્યાને બદલે 8 વાગ્યાનો કરવા રજુઆત કરી છે.
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાય રહયો છે. ટાઢાબોળ પવનના કારણે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જેમાં મોર્નિંગ સ્કૂલોમાં જતાં વિદ્યાર્થિઓને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જેથી વાલીઓ દ્વારા પણ સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા સ્કૂલમાં જતા બાળકોને પડતી મુશ્કેલીને લઈ સમયમાં ફેરફાર અંગે રાજ્યના શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીને ઇમેઈલ દ્વારા પત્ર મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, અને કચ્છમાં પણ વાલીઓ દ્વારા મોર્નિંગ સ્કૂલોના સમયમાં ફેરફારની માગ ઊઠી છે.
છેલ્લા કેટલાક દિવસથી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે વાલીઓએ એવી રજુઆત કરી હતી કે, ઠંડીની શરૂઆત થઈ ગઈ છે જેથી બાળકોને વહેલી સવારે સ્કૂલે પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જેથી સ્કૂલનો ટાઈમ એક કલાક મોડો કરવો જોઈએ. અત્યારે ઠંડીને કારણે બાળકોને શરદી થઈ શકે છે. જેથી થોડો તડકો નીકળ્યા બાદ બાળકો સ્કૂલે જાય તો બાળકો માટે સારૂ રહેશે. અત્યારે સ્કૂલનો ટાઈમ 7 વાગ્યાનો છે, તે વધારીને 8 વાગ્યાનો કરવો જોઈએ.
વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા શિક્ષણ મંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, શિયાળાના દિવસોમાં ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ઠંડીના વાતાવરણમાં શરદી જન્ય રોગ પ્રસસરવાની શક્યતા હોય છે. જેને લઇ વડોદરા શહેરની શાળાઓમાં સવારના સમયમાં પરિવર્તન કરવા માટે અપીલ કરવામાં આવી છે. જ્યારે શાળાના સમયમા ફેરફાર થાય તો બાળકો તેમજ શિક્ષક માટે પણ યોગ્ય અનુકૂળતા રહે તેવી વાલીઓની માંગણીને કારણે આ અંગેની રજૂઆત કરાઈ છે.