ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનને લીધે ગુજરાત કડકડતી ઠંડીમાં સપડાયું,
- 15થી 20 કિમીની ઝડપે ટાઝોબોળ પવન ફુંકાયો
- હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં પલટો આવશે
- આકાશ વાદળછાંયુ બનશે, માવઠાની પણ શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાણ બાદ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનોને કારણે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે સવારથી જ પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, જેથી વહેલી સવારે લોકોએ ઠંડા પવનના સુસવાટા અનુભવ્યા હતા. હજુ પણ દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ યથાવત રહેશે. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં પલટો આવશે, આકાશ વાદળછાંયુ બનશે.
મકરસંક્રાંતિ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો જાણે નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ ટાઢોડુ છવાયેલુ રહ્યું છે. ગુરૂવારે અમરેલી, રાજકોટમાં ઠંડીએ સપાટો બોલાવ્યા બાદ આજે શુક્રવારે ન્યુનતમ તાપમાનનો પારો થોડો ઉપર આવ્યો છે, પરંતુ સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે સવારથી મોટા ભાગના શહેરોમાં ઠંડીનો જોરદાર અનુભવ થઇ રહ્યો છે. કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવન વચ્ચે ગુજરાત ઠંડુંગાર જોવા મળી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં જાણે કે શીતલહેર જામી છે અને હાડ કપાવતી ઠંડી જોવા મળી રહી છે.
રાજ્યભરમાં ઠંડીએ પોતાનું રૌદ્ર રૂપ દેખાડ્યું છે. વહેલી સવારે ગુજરાત જાણે ધાબળો ઓઢી સૂઇ રહેતું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે. હાલ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ આવતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે તથા પવનની દિશામાં પણ ફેરફાર થઈ શકે છે. 20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. જોકે, હજુ પણ એક માવઠાની શક્યતા છે. તે પછી પણ ઠંડી પડવાની છે. 18થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પડવાની શક્યતા છે. આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં ફક્ત 24 કલાકમાં 3 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુનો ઘટાડો નોંધાયો હતો. ગતરાત્રિ દરમિયાન નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.