ગુજરાતમાં ટાઢાબોળ પવનોને લીધે લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થયો
- 15 કિમીની ઝડપે પવન ફુંકાતા વાસી ઉત્તરાણે પણ પતંગરસિયાઓને મોજ પડી
- કાલથી લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા
- સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં આજે વાસી ઉત્તરાણે પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશાને કારણે લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ નથી. જોકે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં સામાન્ય વધારો થશે.
રાજ્યમાં આજે વાસી ઉત્તરાયણના દિને પવન સાનુકૂળ રહેતા પતંગરસિયાઓને મોજ પડી ગઈ હતી. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા આકાશમાં રંગબેરંગી પતંગોનો નજારો જાવો મળ્યો હતો. ઠંડા પવનોને કારણે દિવસે પણ ઠંડકનો અનુભવ થયો હતો જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાત પર આગામી 24 થી 48 કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જણાશે. જેને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. પરંતુ દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનનો ફુંકાવવાને કારણે ઠંડકનો અનુભવ થશે. રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું અને ઠંડીનો અનુભવ પણ વધુ પ્રમાણમાં થયો હતો કારણ કે રાત્રિ દરમિયાન પણ ઠંડા પવનના સુસ્વાટાથી ઠંડીનું જોર યથાવત રહ્યું હતું.
રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. દરમિયાન જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું હતુ કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી થોડી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે. 18 જાન્યુઆરીના દિને આકાશમાં વાદળો જાવો મળશે. જોકે અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.