રાપરમાં નર્મદા કેનાલના મરામતના કામને લીધે અઢી મહિના કેનાલ બંધ રહેશે
- મોમાયમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં કેનાલ પરના ગેરકાયદે જોડાણો કાપી નંખાયા,
- રાપર માટે પીવાનું પાણી અનામત રખાશે
- રાપર શહેરને હવે દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરાશે
ભૂજઃ કચ્છમાં નર્મદા કેનાલનો લાભ મળતા હવે પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ છે. ઘણ સમયથી કેનાલ મરામત માગી રહી છે. તેથી રાપર તાલુકામાં નર્મદા કેનાલનું મરામતનું કામ હાથ ધરવાનું હોવાથી આગામી અઢી મહિના સુધી કેનાલમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે રાપર શહેરને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેનાલના પાણીથી નગાસર તળાવ ભરવામાં આવી રહ્યું છે.
રાપર તાલુકામાં નર્મદા કેનાલના રિપેરિંગ કાર્ય માટે કેનાલમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ મોમાયમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં બક નળીઓ કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં રાપર તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, ચીફ ઓફિસર રવાજી જાડેજા, નગરપાલિકા પ્રમુખ ચાંદભાઇ ભીંડે સહિતના અધિકારીઓ જોડાયા હતા. પીજીવીસીએલ, પોલીસ અને નર્મદા યોજનાની ટીમો પણ હાજર રહી હતી. કેનાલમાંથી પાણી ખાલી થયા બાદ તેના મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે.
ઉનાળા દરમિયાન રાપર શહેરને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આયોજન કરાયું છે. 40,000ની વસ્તી ધરાવતા રાપર શહેરને માત્ર નર્મદા આધારિત પીવાનું પાણી મળે છે. આ કારણે કેનાલમાં રહેલું પાણી અનામત રાખવા માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા કલેક્ટર અને નર્મદા અધિકારીઓને રજૂઆત કરી હતી. કેનાલ બંધ રહે તે દરમિયાન નગાસર તળાવ ભરવામાં આવશે. શહેરમાં દર ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવશે. વધુમાં, સામખીયારીથી દર બીજા દિવસે ત્રણ એમએલડી પાણી પાણી પુરવઠા બોર્ડ દ્વારા પૂરું પાડવામાં આવશે. દરમિયાન નગરપાલિકા પ્રમુખે શહેરીજનોને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે દરેક વોર્ડમાં દર ત્રણ દિવસે દોઢ કલાક સુધી પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવશે. પાણી ચોરી અટકાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.