અમદાવાદમાં નશાબાજ થારના ચાલકે 4 વાહનોને અડફેટે લીધા, 8ને ઈજા
- શહેરના ડ્રાઈવઈન રોડ હિમાલિયા મોલ પાસે રાતે બન્યો બનાવ
- લોકોનું ટોળું એકઠું થતાં થારનો ચાલક છરો કાઢી લોકોને મારવા દોડ્યો
- રોષે ભરાયેલા લોકોએ થારના ચાલકની ધોલાઈ કરી
અમદાવાદઃ શહેરમાં નશો કરેલી હાલતમાં વાહન પૂર ઝડપે ચલાવીને અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરના ડ્રાઈવઈન રોડ હિમાલિયા મોલ પાસે બન્યો હતો. દારૂ પીધેલી હાલતમાં પૂર ઝડપે થાર-કાર ચાલાવીને ચારથી પાંચ વાહનોને અડફેટે લીધે હતા. રાતના સમયે બનેલા આ અકસ્માતને લીધે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તેથી કારચાલક ઉશ્કેરાયો હતો. અને છરો લઈને લોકોને મારવા દોડતા લોકો રોષે ભરાયા હતા.અને લોકોએ કારચાલકને પકડીને મારમાર્યો હતો. દરમિયાન ટોળાંમાંથી છટકીને રોડસાઈડ પર પડેલો મોટો પથ્થાર ઉપાડીને ફરી લોકોને મારવા દોડ્યો હતો, જોકે આ સમયે પોલીસે દોડી આવીને થાર-કારના ચાલકની અટકાયત કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ડ્રાઈવ ઈન રોડ પર હિમાલયા મોલ પાસેથી રાતે ચિક્કાર દારુ પીધેલી હાલતમાં થારના ચાલકે 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ કાર રોકાઈ જતાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર પાસે પહોંચ્યું હતું. જેથી કારચાલક છરો લઈને બહાર નીકળતા રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી. તેમ છતાં તે રોડ પરથી મોટો પથ્થર ઉપાડીને લોકોને મારવા દોડયો હતો. આખરે પોલીસ આવતા તેને પકડીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. અકસ્માત તેમજ દારુ પીને યુવકે કરેલા અકસ્માત અને ત્યારબાદ કરેલા હુમલામાં 8 જેટલા લોકોને સામાન્ય ઈજા થઈ હતી.
આ અકસ્માતના બનાવ અંગે સ્થાનિક લોકોના કહેવા મુજબ શહેરના ડ્રાઈવઈન રોડ પર હિમાલયા મોલ પાસેથી રાતે 9.45 વાગ્યે પૂરઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે પહેલા ટુ-વ્હીલર, ત્યારબાદ 3 કારને ટક્કર મારી હતી. તેમ છતાં થારચાલકે કાર રોકી ન હતી. પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાતા તે રોકાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને થાર પાસે પહોંચ્યા હતા. આ સમયે થારમાંથી છરા સાથે ઊતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થારચાલકને રસ્તામાં દોડાવી-દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યો હતો. બાદમાં કારચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતાં રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પકડી લીધો હતો. પોલીસે આ સંદર્ભે થારચાલક સામે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને ડ્રાઈવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.