જયપુરમાં નશામાં ચકચૂર કારચાલકે અનેક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા, 3ના મોત
ઉદેપુરઃ જયપુરમાં પૂરઝડપે પસાર થતી કારના ચાલકે માર્ગ ઉપરથી પસાર થતા કેટલાક રાહદારીઓ અને વાહનનોને અડફેટે લીધા હતા. એટલું જ નહીં 7 કિમી સુધી કાર ચાલકે માર્ગ ઉપર પસાર થતા કેટલાક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. કારનો ચાલક નશામાં ચકચૂર હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પહેલા આરોપી ફેક્ટરી માલિક ઉસ્માન ખાને પૂરઝડપે કાર હંકારીને MI રોડ પર વાહનોને ટક્કર મારી હતી. જે બાદ તેમણે કારને શહેરની સાંકડી શેરીઓમાં ઘુસાડ્યું હતું. તેમજ તેણે નાહરગઢ રોડ પર સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું, જ્યાં તેણે અનેક વાહનોને જોરદાર ટક્કર મારી હતી. જોકે, સાંકડી શેરીને કારણે આરોપી કાર લઈને બહાર નીકળી શક્યો ન હતો અને આગળ ઉભેલા પોલીસ પીસીઆરએ કારને અટકાવી હતી.
એડ. ડીસીપી બજરંગ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે આરોપી ડ્રાઇવરે 500 મીટરના વિસ્તારમાં સૌથી વધુ વાહનોને ટક્કર મારી હતી. નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતોષી માતા મંદિર પાસે, તેણે પહેલા એક સ્કૂટરને ટક્કર મારી, પછી એક બાઇકને ટક્કર મારી અને કારને તેજ ગતિએ ચલાવી, એટલું જ નહીં, આરોપીઓએ પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોને પણ ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં મમતા કંવર (ઉ.વ 50), વીરેન્દ્ર સિંહ (ઉ.વ 48), મહેશ સોની (ઉ.વ 28), મોહમ્મદ જલાલુદ્દીન (ઉ.વ 44), દીપિકા સૈની (ઉ.વ 17), વિજય નારાયણ (ઉ.વ 65), ઝેબુન્નિશા (ઉ.વ 50), અંશિકા (ઉ.વ 24) અને અવધેશ પારીક (ઉ.વ 37) ઈજાગ્રસ્ત થયાં હતા. જે પૈકી મમતા કંવર, અવધેશ પારીક અને વીરેન્દ્ર સિંહને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
અકસ્માત બાદ સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા હતા. ડઝનબંધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. નાહરગઢ રોડ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિતોને પાછલી સરકારની જેમ યોગ્ય વળતર આપવામાં આવે.