દારૂડિયા કારચાલકે બે થાંભલાને ટક્કર માર્યા બાદ કાર ઘરમાં ઘૂંસાડી દીધી, એકનું મોત, બેને ઈજા
- અમદાવાદ નજીક ભાત ગામમાં મોડી રાતે બન્યો બનાવ,
- નશામાં ધૂત કારચાલક કાર મુકીને નાસી ગયો,
- સ્થાનિક લોકોના કહેવા મુજબ કારમાં અન્ય બે યુવાનો પણ હતા
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈ મોડી રાતે શહેર નજીક ભાત ગામમાં પૂરફાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનર કારે બે વીજ થાંભલાને ટક્કર માર્યા બાદ એક આધેડ વ્યક્તિને ટક્કર મારીને બાજુમાં આવેલા મકાનમાં ઘૂંસી ગઈ હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ ફોર્ચ્યુનર કારનોચાલક પીધેલી હાલતમાં હતો, અને લથડિયા ખાતો હતો. તેના સાથે કારમાં બેઠેલા બે યુવાનો કારચાલકને ભગાડીને લઈ ગયા હતા. આ બનાવમાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતનની સ્થાનિક લોકોએ પોલીસ જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
આ અકસ્માતના બનાની વિગતો એવી જાણવા મળી છે કે, શુક્રવારે મોડી રાત્રે 11:20 વાગ્યાની આસપાસ નશામાં ધૂત એક યુવક બેફામ સ્પીડમાં કાર હંકારી ભાત ગામમાં અશોકભાઈ પ્રજાપતિ નામના આધેડને ટક્કર મારી પાંચથી સાત ફૂટ ઢસડી કાર એક ઘરમાં ઘૂસાડી દીધી હતી. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના સમયે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ આધેડ ભાત ગામમાં આવેલા ચાચરાવાડી વિસ્તારમાં આવેલા પાન ગલ્લા પાસે ઉભો હતો. ત્યારે કાસિન્દ્રા તરફથી આવી રહેલી કાર GJ 01 WM 0872 ના ચાલક અંશ ઠાકોરે નશામાં ધૂત પૂરપાટ ઝડપે કાર હંકારી બે થાંભલાને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ચાલકે આધેડને અડફેટે લઇને એક ઘરમાં ઘૂસાડી દીધી હતી. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કાર ચાલકે અન્ય બે યુવકોને પણ અડફેટે લેતાં તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. કારમાં યુવકની સાથે અન્ય બે વ્યક્તિઓ પણ હતી. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક યુવક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.