કચ્છમાં પકડાયેલા રૂપિયા 875 કરોડની કિમતના ડ્રગ્સનો નાશ કરાયો
- ભચાઉની કંપનીમાં 391 કિલો અને 8986 લીટર માદક પદાર્થનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ,
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી,
- 28 કેસમાં જપ્ત કરેલા માદક પદાર્થોનો નાશ કરાયો હતો.
ભૂજઃ કચ્છ અને મોરબીમાં પકડાયેલા આશરે 874 કરોડની કિંમતના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે રૂ. 875 કરોડના માદક પદાર્થોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો. કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ (ભઠ્ઠી)માં કુલ 391.625 કિલો અને 8986 લીટર માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણ જિલ્લાની પોલીસ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પકડાયેલા ડ્રગ્સનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ (ગાંધીધામ)ના 11 કેસ, પશ્ચિમ કચ્છ (ભુજ)ના 16 કેસ અને મોરબી જિલ્લાનો 1 કેસ મળીને NDPS એક્ટ હેઠળ કુલ 28 કેસમાં જપ્ત કરેલા માદક પદાર્થોનો નાશ કરાયો હતો. નાશ કરાયેલા માદક પદાર્થોમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલું 82.616 કિલોગ્રામ કોકેઈન સામેલ હતું. આ કોકેઈનની અંદાજિત કિંમત રૂપિયા 826.16 કરોડ હતી. માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા 105.428 કિલોગ્રામ ચરસ (હશીશ)ની અંદાજિત કિંમત રૂપિયા 44.57 કરોડ હતી. તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 8986.2 લીટર કોડીનયુક્ત સિરપ (89862 બોટલ)ની અંદાજિત કિંમત રૂપિયા 1.84 કરોડ હતી. આ ઉપરાંત, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા અન્ય 25 કેસોમાં જપ્ત કરાયેલા ગાંજો, કોકેઈન, ચરસ, મેફેડ્રોન અને પોષડોડા વગેરેનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ કચ્છના કુલ 129.368 કિલોગ્રામ અને પૂર્વ કચ્છ ગાંધીધામના 74.213 કિલોગ્રામ માદક પદાર્થનો પણ આ દરમિયાન નાશ કરવામાં આવ્યો હતો. આમ, ત્રણેય પોલીસ જિલ્લાના મળીને કુલ 391.625 કિલોગ્રામ અને 8986.2 લીટર માદક પદાર્થનો સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો.