ગુજરાતમાં 19 ITI ખાતે ડ્રોન રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરાશે
- DGCA દ્વારા રિમોટ પાઇલટ ટ્રેનિંગ લાઇસન્સ મેળવનારી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી
- સ્કૂલ ઓફ ડ્રોન્સ દ્વારા ૧૦૦ ડ્રોનનું ઉત્પાદન કરાયુ
- અમદાવાદના શિલજ ખાતે રૂ.164 કરોડના ખર્ચે આકાર પામશે KSU કેમ્પસ
ગાંધીનગરઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી એટલે “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી”. આ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગને સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું ‘ટાઈપ સર્ટીફિકેટ’ મેળવનાર કૌશલ્યા-ધી સ્કિલ યુનિવર્સિટી-KSU દેશની એકમાત્ર સરકારી સંસ્થા છે. સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 100 ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, તેમજ કુલ 504 ઉમેદવારોને ડ્રોન પાયલટની તાલીમ આપી લાયસન્સ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ડ્રોન મેન્યુફેચરીંગ એન્ડ એસેમ્બલીના કોર્ષમાં 1000થી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શનમાં ડ્રોન રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન આગામી સમયમાં રાજ્યની 19 ITI ખાતે શરૂ કરવામાં આવશે. જે પૈકી બિલિમોરા અને માંડવી ITI ખાતે રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન-RPTOની ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન-DGCAની માન્યતા મળી છે. KSU દ્વારા ‘ડ્રોન મંત્રા’નું આગવું મોડેલ વિકસાવ્યું છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને ડ્રોન ઉત્પાદન અને તાલીમ માટેની લેબમાં અત્યાધુનિક મશીનરી તેમજ ટેકનોલોજીના માધ્યમ થકી ડ્રોન ઉત્પાદન તથા પ્રોગ્રામિંગની તાલીમ પૂરી પાડવામાં આવે છે.
KSU ખાતે નવી ઉભરતી ટેકનોલોજીની તાલીમ માટેની પહેલ થકી ઇન્ડસ્ટ્રી 4.૦ની પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સાયબર ફિજિકલ સિસ્ટમ, ઓટોમેટેડ ગાઈડેડ વ્હીકલ, રોબોટિક્સ, આઇ.ઓ.ટી., ડેટા એનાલિટીક્સ જેવી વિવિધ અદ્યતન ટેકનોલોજીનું નિર્દેશન તથા ટૂંકા ગાળાની તાલીમ આપવામાં આવે છે. અહી ઇનોવેશન અને સંશોધન પ્રવૃત્તિને વેગ આપવા, ઉદ્યોગ સાહસિકતા તેમજ સ્ટાર્ટ-અપને પ્રોત્સાહિત કરવા માટે નોન પ્રોફિટ કંપની તરીકે કુશલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે.
કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ કોમ્પ્યુટીંગ, સાયન્સ મેન્યુફેક્ચરીંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર, મેનેજમેન્ટ અને ફાઇનાન્સ, હેલ્થકેર, એગ્રી અને અન્ય સર્વિસીસ, લિબરલ આર્ટસ અને સ્કૂલ ઓફ ડ્રોન્સ જેવી 06 સ્કૂલો કાર્યરત છે. જ્યાં ઉદ્યોગોની માંગ આધારિત નવી શિક્ષણ નીતિને અનુરૂપ કુલ 110 જેટલા વિવિધ પ્રમાણપત્ર, ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા, પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા, અન્ડર-ગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ અને પી.એચડી. અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ દરેક અભ્યાસક્રમ ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને ડિઝાઇન કરવામાં આવે છે તેમજ ઉભરતા ઉદ્યોગ અને નવીનતમ ટેકનોલોજીની માંગ આધારિત સતત અપડેટ્સ પણ કરવામાં આવે છે.
KSU દ્વારા આ અભ્યાસક્રમો આર્સેલર મિત્તલ, ગોલ્ડી સોલાર, ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સ્કિલ ડેવલપમેન્ટ એકેડેમી જેવી કંપનીઓના સહયોગથી ચલાવવામાં આવે છે. આ ઉપરાંત ક્લાઉડ કોમ્યુટિંગ ટેકનોલોજીમાં એમેઝોન વેબ સર્વિસ-AWS સાથે મળીને ડેટા સેન્ટર ટેક્નિશિયન, ક્લાઉડ કોમ્યુટિંગ ફાઉન્ડેશન જેવા કોર્ષ ચલાવવામાં આવે છે. વધુમાં સ્કિલ વર્કરની ખૂબ માંગ હોય તેવા પેરા મેડિકલ ક્ષેત્રમાં પણ KSU દ્વારા મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન, રેનલ અને ડાયાલિસિસ, ઓપરેશન થિયેટર અને એનેસ્થેસિયા ટેકનોલોજી, કેથ લેબ ટેકનોલોજી, રડીયોલોજી અને ઇમેજિંગ ટેકનોલોજી તેમજ ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન જેવા કોર્સ પણ ચલાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અમદાવાદના શિલજ ખાતે KSU કેમ્પસનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. 164 કરોડ કરતાં વધુના ખર્ચે 55,816 ચો.મી. જગ્યા ધરાવતા KSU કેમ્પસનો વિકાસ પ્રગતિ હેઠળ છે, તેમ ડાયરેક્ટર જનરલ, કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીની અખબારી યાદીમાં જણાવ્યું છે.