સુદાનમાં મસ્જિદ પર ડ્રોન હુમલો, 43 નમાઝીઓનાં મોત
ખાર્તૂમ : આફ્રિકન દેશ સુદાનમાં અર્ધ સૈન્ય દળ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં 43 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં બાળકો અને વૃદ્ધો સહિતના મુસ્લિમ નમાઝીઓનો સમાવેશ થાય છે. આ અંગેની માહિતી સ્થાનિક સંગઠન સુદાન ડોક્ટર્સ નેટવર્ક દ્વારા જાહેર કરવામાં આવી હતી. સંગઠને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારી અર્ધ સૈન્ય દળ દ્વારા કરવામાં આવેલો આ હુમલો માનવતા, ધર્મ અને આંતરરાષ્ટ્રીય કાયદાની સ્પષ્ટ અવગણના દર્શાવે છે.
સુદાનમાં સૈન્ય અને રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે એપ્રિલ 2023થી ઘર્ષણ ચાલી રહ્યું છે, જે બાદમાં ભયાનક ગૃહ યુદ્ધમાં ફેરવાયું હતું. સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે માત્ર 2023માં જ આશરે 40 હજાર લોકો ભોગ બન્યા હતા. વિશેષ કરીને દારફુર પ્રાંતમાં આર્મી અને અર્ધ સૈન્ય દળ વચ્ચે સતત અથડામણો થઈ રહ્યાં છે. તાજેતરના હુમલાથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે, કારણ કે અર્ધ સૈન્ય દળ રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યું છે. સુદાનમાં સૈન્ય સત્તા પોતાના હાથમાં લેવા આતુર છે, જ્યારે અર્ધ સૈન્ય દળ તેની સામે હિંસક કાર્યવાહી કરી રહ્યું છે.