અમદાવાદમાં નારણપુરા અકસ્માત કેસમાં નાસી ગયેલો કારચાલક પકડાયો
- મંગળવારે રાતે બાઈકને ટક્કર મારીને કારનો ચાલક નાસી ગયો હતો
- અકસ્માતમાં બાઈકસવારનું મોત નિપજ્યું હતું
- ધરપકડ કરાયેલો 19 વર્ષીય કારચાલક કોલેજનો વિદ્યાર્થી છે
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં મંગળવારની રાતે શહેરના નારણપુરા ચાર રસ્તા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર એક યુવાનું મોત નિપજ્યું હતું. અને એક યુવાને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં કારચાલક અકસ્માત બાદ અન્ય વાહનમાં નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. અને પોલીસે કારચાલક સમર્થ સુનિલ અગ્રવાલની ધરપકડ કરી છે.
શહેરના નારણપુરા વિસ્તારમાં 13મેના રાતના સમયે ક્રેટા કારે બાઈક પર જતા બે યુવાનને ટક્કર મારી હતી, જેમાં એક યુવકનું મોત થયું છે.જ્યારે એક યુવક ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા નહોતા ત્યાં અચાનક આજે સવારે પોલીસે આરોપી કારચાલક સમર્થ સુનિલ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે. આરોપી કરચાલકની ઉમર 19 વર્ષનો કોલેજિયન છે. અને તે સદભાવ સોસાયટી નારણપુરા ખાતે રહેતો છે.
આ બનાવની વિગતો એવી હતી કે, શહેરના નારણપુરામાં રહેતો બ્રિજેશ ડોડીયા નામનો યુવક તેના મિત્ર આર્યન બારડના બાઇક પર મંગળવારે રાતે 11 વાગ્યે અમીકુંજ સોસાયટી ચાર રસ્તા પાસેથી જઈ રહ્યા હતા. ત્યારે એક ક્રેટા કારે પૂરઝડપે આવીને બાઈકને ટક્કર મારી હતી.અકસ્માતમાં બાઇક ચાલક આર્યનને માથામાં ગંભીર ઇજા થઈ હતી જ્યારે બ્રિજેશને સામાન્ય ઇજા થઈ હતી.બંનેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન આર્યનનું મોત થયું છે. બનાવ અંગે B ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અકસ્માત કરનાર ક્રેટા કાર કોઈ યુવતી ચલાવતી હોવાનું અનુમાન હતું.અકસ્માતમાં કારની એરબેગ પણ ખુલી ગઈ હતી.પોલીસે કારના નંબરના આધારે તથા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.જોકે પોલીસ પાસે કારનો નંબર હોવા છતાં બનાવના 24 કલાક સુધી આરોપી પકડાયો નહતો.સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા નહોતા.